સુરત, તા.૩૦
સુરતના સચિનના પાલીગામમાં બનેલી ઘટના બાદ પાલિકા દ્વારા શહેરની તમામ જર્જરિત તમામ ઈમારતોના માલિકોને નોટિસ આપવામાં આવી રહી છે અને કેટલાક સ્થળો પર ત્યાં રહેનારા લોકોને મકાન ખાલી કરાવી ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જાે કે, પાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલોનો બે વર્ષ પહેલા સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જેમાં ૮૩ સ્કૂલો પૈકી ૨૬ સ્કૂલોનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આશ્ચર્યની વાત તો એ છે કે, જે સ્કૂલોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તે પૈકી ૨ સ્કૂલમાંથી એક વર્ષ ૨૦૦૨ અને બીજી ૨૦૦૩માં તૈયાર કરવામાં આવી હતી. મનપાની સામાન્ય સભામાં કમિશનર શાલિની અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મનપા સંચાલિત કુલ ૮૩ સ્કૂલોનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી ૨૬ સ્કૂલોનો રિપોર્ટ નેગેટિવ હતો. તે પૈકી ૬ને ઉતારી પાડવામાં આવી છે અને ૧૧માંથી બાળકોને સ્થળાંતરિત કરી અન્ય સ્કૂલોમાં ખસેડાયા છે. જે શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ત્યાં ક્લાસમાં વધારે બાળકો જાેવા મળે છે. એક બેન્ચ પર પાંચ થી છ જેટલા બાળકો બેસીને ભણી રહ્યા છે.
શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજેરાએ જણાવ્યું હતું કે, અઠવા ઝોનમાં ૨, ઉધનામાં ૬, સેન્ટ્રલ ઝોનમાં ૧૧, કતારગામમાં, વરાછામાં-બી ઝોનમાં ૧, વરાછા-એ ઝોનમાં ૧, લિંબાયતમાં ૧, ઉધના બી ઝોનમાં ૪ સ્કૂલોનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ હતો. જે સ્કૂલોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાંથી બે સ્કૂલો વર્ષ ૨૦૦૨ અને વર્ષ ૨૦૦૩માં જ બનાવવામાં આવી હતી. હાલ અન્ય શાળાઓમાં બાળકોને સ્થળાંતરિત કરાયા છે જ્યાં તેઓ ભણી રહ્યા છે અને તેમને કોઈ સમસ્યા નથી. જે પણ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ત્યાં નવી બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. બે વર્ષમાં આ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષે બે વર્ષ પહેલા સ્ટ્રક્ચરલ કમિટીના રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે, માત્ર ૧૯-૨૦ વર્ષમાં જ સ્કૂલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જર્જરિત બની જવું એ ઇજારદારની ખામી છે. ભવિષ્યમાં આવા ઇજારદારને કોઈ કામ નહીં આપવામાં આવે તે માટે પણ તાકીદ કરી હતી.
