ચંદીગઢ, તા.૩૧
હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. જ્યાં ગૌમાંસ ખાવાની શંકામાં પરપ્રાંતિય શ્રમિકને ઢોર માર મારી હત્યાના કેસમાં પોલીસે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા બે કિશોરોની પણ ધરપકડ કરાઈ છે. અહેવાલો અનુસાર, શ્રમિકની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિક તરીકે થઈ છે.
અહેવાલો અનુસાર, હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં ૨૭મી ઓગસ્ટે ગૌમાંસ ખાવાની શંકામાં બે શ્રમિકને ટોળાએ ર્નિદયતાથી ઢોર માર મારવામાં આવ્યા હતો. જેમાં પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય શ્રમિકનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
આ મામલે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલે પીડિત સાબીર મલિકને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યા હતા અને બાદમાં તેને ઢોર માર માર્યો હતો.
આ મામલે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી તો આરોપીઓ સાબિર મલિકને બીજી જગ્યાએ લઈ ગયા અને તેને ફરીથી માર માર્યો હતો, જેના કારણે સાબિરનું મૃત્યુ નીપજ્યું હતું. પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે કિશોરો પણ ઝડપાઈ ગયા છે.
