સુરત,તા.૩૧
સુરત શહેરના એક વૃદ્ધાશ્રમમાં થોડા સમયના અંતરમાં આશ્રમમાં રહેતા એક – મુસ્લિમ અને એક હિન્દુ વડીલનું અવસાન થયું હતું. આ અવસાન બાદ વૃદ્ધાશ્રમના મહિલા સંચાલકોએ જ બંને વડીલની અંતિમ વિધિ તેમના ધર્મ મુજબ કરી હતી. આ અંતિમ વિધિમાં ‘મઝહબ નહીં શિખાતા આપસ મે બૈર રખના’ નું સૂત્ર આકાર થતું જાેવા મળ્યું હતું, આશ્રમની મહિલા સંચાલકોએ આશ્રમની મહિલાઓના હિન્દુ અને મુસ્લિમ બંને વિધીથી અંતિમ સંસ્કાર કર્યા હતા. છાપરાભાઠા- અમરોલી રોડ પર શાંતિદૂત વૃદ્ધાશ્રમ આવેલો છે, જેમાં સમાજથી તરછોડાયેલા અથવા જેમનું કોઈ નથી તેવા વૃદ્ધોની સાર સંભાળ લેવામાં આવે છે.
આ આશ્રમનું સંચાલન રાજકારણ માંથી સમાજ સેવિકા બનેલા મધુબેન ખેની કરી રહ્યાં છે. તેઓ ન્યાત જાત અને ધર્મના ભેદભાવ ભુલીને આશ્રમમાં રહેતા વડીલોના દીકરા હોય તેવી રીતે સેવા કરી રહ્યાં હતા. શુક્રવારે આ આશ્રમમાં રહેતા તસ્લીમ સૈયદ ( ઉ. વ ૮૫) અને પોલીસ જેમને મુકી ગઈ હતી તેવા શકુંતલા બા ( ઉ.વ. ૮૫)નું થોડા થોડા સમયે નિધન થયું હતું. આશ્રમના બધા મહિલા સંચાલકોએ પહેલા તસ્લીમ સૈયદના જનાજાને કાંધ આપી શ્રી રામ.. શ્રી રામ બોલીને નાનપુરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા અને દફનવિધી કરી હતી. ત્યારબાદ શકુંતલા બાને કાંધ આપી અશ્વિકુમાર સ્મશાનભૂમિ ખાતે લઈ જઈ અંતિમકિયા કરી હતી.
આમ એક જ આશ્રમમાં રહેતા બે અલગ અલગ ધર્મના વડીલોના મૃત્યુ થયા ત્યારે સંચાલકોએ ધર્મ ભૂલીને માનવતાનો ધર્મ બજાવ્યો હતો અને અંતિમ વિધી કરી હતી. બંનેને તેમના ધર્મ મુજબ મોતનો મલાજાે જાળવીને સન્માનપૂર્વક અંતિ સંસ્કાર કરવાનો ર્નિણય કર્યો હતો.