(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૧
ગુજરાતમાં ‘નકલી’નો ખેલ વણથંભ્યો ચાલી રહ્યો છે. નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલના ઝડપાયા છે રાજ્યમાં ઘણું બધું ‘નકલી’ પકડાયું છે. નિયમિત સમયાંતરે નકલી અધિકારી પછી નકલી કચેરી, નકલી ટોલ નાકું, સીએમઓમાં નકલી અધિકારીઓ પકડાતા જ રહે છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઈન્દ્રામ પંથકમાં તપાસ અર્થે પોલિસ પહોંચી હતી જ્યાં આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ એ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં, પોતે એસડીએમ (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ), ડે.કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી. એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ.કાર્ડ બતાવી જણાવ્યું કે, તે નડીઆદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ – ૨૦૨૨ થી રેવન્યુ વિભાગમાં એ.ડી.એમ. તરીકે ફરજ બજાવે છે. પોલિસને ત્યારે ખ્યાલ આવ્યો કે, જ્યારે સાઠંબા પોલિસ એક ગુના અર્થે તપાસ માટે વિસ્તારમાં ગઈ હતી. જ્યારે તપાસ દરમિયાન આરોપીએ રાજ્ય સેવક ના હોદ્દા ઉપરનું નામ ધારણ કરી પોતે એસ.ડી.એમ. તરીકેની ઓળખાણ આપી હતી.
બે મહિના અગાઉ ઈન્દ્રાણ ગામે રાયોટિંગના ગુન્હા અંગે પોલિસ તપાસ અર્થે ગઈ હતી, ત્યારે પ્રકાશ નાઈએ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપી હતી, ત્યારે પોલિસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા. આરોપીએ આઈ.કાર્ડ ની નકલ આપી હતી, જેની ખરાઈ કરવા માટે પોલિસે નડીયાદ મોકલી હતી, ત્યારે નડીયાદ જિલ્લા સેવા સદનથી જવાબ આવ્યો કે, પ્રકાશ નાઈ નામનો કોઈ વ્યક્તિ નથી. પોલિસે ખરાઈ કર્યા બાદ આ શખ્સને પકડવાની તજવીજ શરૂ કરી હતી, ત્યારે ગત મોડી સાંજના સુમારે પોલિસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળા કાચવાળી ગાડી આવતા ઉભી રાખતા, નામ પૂછતાં, આરોપીએ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપતા, ભાંડો ફૂટી ગયો હતો.
