(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૧
ગુજરાતમાં હવે આખેઆખા ગામ બારોબાર વેચાવા લાગ્યા છે. થોડા સમય પહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જુના પહાડીયા ગામ બારોબાર વેચાઈ ગયાનું પ્રકાશમાં આવ્યું હતું. હવે ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું ઝાલાપુર ગામ પણ આખેઆખું વેચાઈ ગયું છે.
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મિરઝાપુર તાબે આવેલા ઝાલાપુરા ગામના આખેઆખા સર્વે નંબરનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. આ ગામમાં સરકારી શાળા, રસ્તાઓ, મંદિરો, મકાનો પણ આવેલા છે. તેમ છતાં પણ તેનો વેચાણ દસ્તાવેજ થઇ જતા ગ્રામજનો પણ આશ્ચર્ય ચક્તિ થઈ ગયા હતા. આ બાબતે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે, તેમ છતાં જમીનનો વેચાણ દસ્તાવેજ કેવી રીતે થયો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
આ ગામ સર્વે નંબર ૧૬૨માં ૧૬૨ ગુઠા એટલે કે સાડા સાત વીઘા જમીનમાં વસેલું છે. આ જમીનમાં હાલમાં સરકારી પ્રાથમીક શાળા, ૨૨ સરકારી આવાસો, ૪૮ રહેણાંક મકાનો તેમજ ૫ જેટલા મંદિરો અને સરકારની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલા આરસીસી રસ્તાઓ છે. પીવાના પાણીની લાઈનો પાણીના બોર ગટર લાઈનો પણ આવેલી છે. જે સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી છે. આ ગામમાં ૪૦૦થી વધુ વ્યકિતઓ વસવાટ કરી રહ્યા છે, પરંતુ આ જમીનના જુના માલીક દ્વારા પેઢીનામુ કરાવીને બારોબાર આ સમગ્ર મિલકતને વેચી નાંખી છે. ચોંકાનારી બાબત તો એ છે કે, આસમગ્ર જમીન વેચાણ કર્યા બાદ તેની પાકી નોંધ પણ પાડી દેવામાં આવી છે.
આ સમગ્ર બાબતની જાણ થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમજ આ સમગ્ર બાબતમાં સરકારી બાબુઓની સંડોવણી હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે આ જમીનને વર્ષ ૧૯૭૦માં અહીં રહેતા વડવાઓએ રૂ.પાંચના સ્ટેમ્પ પેપર પર વેચાણ દસ્તાવેજથી લીધી હતી, જેના સાક્ષીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં રોડ ટચ જમીન હોવાથી તેના ભાવ વધારે આવતા હોવાથી વર્ષો જુની જમીનમાં કોઈ પણ રીતે છેડછાડ કરીને વારસદારમાં નામ દાખલ કરી વેચાણ દસ્તાવેજ કરી દેવાયાનો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે.
