(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૧
ગુજરાતમાં સપ્તાહના અંતમાં વરસાદે વિરામ લેતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ લોકોની આ રાહત ક્ષણજીવી નિવડી શકે છે. ત્રણ-ચાર દિવસના વિરામ પછી ફરી એક વખત ગુજરાતમાં મેઘરાજા પુનરાગમન કરશે. અસના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું હોવાથી ગુજરાતના લોકોએ રાહત મેળવી છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજથી પાંચ દિવસ રાજ્યમાં ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.
૨ સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ભરૂચ અને નર્મદા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
૩ સપ્ટેમ્બરના રોજ વડોદરા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ. , અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ નોંધપાત્ર વરસાદ
પડી શકે છે.
૪ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશમાં, ખાસ કરીને આણંદ અને ભરૂચમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
આ દરમિયાન ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને બોટાદમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
૫ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ સહિત ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
