- ઇન્ટર્ન્સ, રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણયનો વિરોધ
- જુનિયર ડોક્ટર કહે છે, 25 વખત રજૂઆત કરી છે.પરંતુ સરકાર માંગણી સ્વીકારતી નથી
(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૧
રાજ્ય સરકારના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણયનો હવે વિરોધ થઈ રહ્યો છે. ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોની માંગ છે કે, વર્ષ 2009થી સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારો મળતો હતો તેની જગ્યાએ હવે 20 ટકા જ વધારો આપવામાં આવ્યો છે. હવે સ્ટાઈપેન્ડમાં વધારો 3 વર્ષની જગ્યાએ 5 વર્ષે થશે. જેનો ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. આ મામલે રેસિડેન્ટ ડોક્ટરો સોમવાર (થી હડતાલ પર ઊતરશે. આ દરમિયાન ઈમરજન્સી સેવા શરૂ રહેશે.
ગુજરાત સરકાર દ્વારા 31મી ઓગસ્ટે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ.21,840, ડેન્ટલમાં રૂ.20,160, ફિઝિયોથેરેપીમાં રૂ.13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપથીમાં રૂ.15,120 સ્ટાઇપેન્ડ વધારો કર્યો હતો. જો કે, રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે બી.જે. મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરો સોમવાર થી હડતાલ પર ઊતરશે.
આ મામલે જુનિયર્સ ડોક્ટર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ શશાંક આશરાનું કહેવું કે, ‘રાજ્ય સરકારમાં 25 વખત રજૂઆત કરી છે.પરંતુ સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી.અમે પણ નથી ઈચ્છતા કે ઇમરજન્સી બંધ રાખીએ અને દર્દીઓ હેરાન થાય પરંતુ અમારી માંગણી ઘણાં સમયથી પૂરી થતી નથી જેના કારણે અમે વિરોધ કરીએ છીએ. બી.જે. મેડીકલના 1200થી વધુ તથા ગુજરાતના 3500 થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર રહેશે અને રાજ્યના 3 હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે.’