સુરત, તા.૦૨
શહેરના બિલ્ડર તુષાર શાહના રિમાન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટના તિરસ્કારના કેસમાં પીઆઇ આર.વાય. રાવલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટે બંનેને બીજી સપ્ટેમ્બર એટલે આજે હાજર રહેવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પી.આઇ. રાવલને સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર કરવા બદલ ૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે, જ્યારે તેની સાથે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને માફીપત્ર લખાવી માફ કર્યા છે.
આ અંગે એડવોકેટ દીપેશ દલાલે જણાવ્યું હતું કે બંને સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા ત્યારે કોર્ટે પી.આઈ. રાવલને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો છે, સાથે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ માફી માગતાં તેમને માફ કરવામાં આવ્યા છે.
ઠાકોરજી ડેવલપર્સના બિલ્ડર અભિષેક ગોસ્વામીએ નોંધાવેલી ૧.૬૫ કરોડના ચીટિંગની ફરિયાદમાં વેસુ પોલીસે આરોપી એવા તુષાર રજનીકાંત શાહ સામે સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈ કાર્યવાહી કરતાં મામલો ગંભીર બન્યો હતો. આ સમગ્ર પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું. સુપ્રીમ કોર્ટે પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકરને તિરસ્કારની નોટિસ જારી કરી હતી. અધિકારીઓમાં તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત કોન્સ્ટેબલ પીઆઇ રાવલને નોટિસ આપવામાં આવી હતી. જાેકે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે પોલીસ કમિશનર, ડીસીપી, કોન્સ્ટેબલ અને અભિષેક ગોસ્વામીને આરોપોથી ડિસ્ચાર્જ કર્યા છે. જ્યારે બીજી બાજુ પીઆઇ રાવલ અને એ઼ડિ.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને દોષી જાહેર કરી બીજી સપ્ટેમ્બરે હાજર રહેવા આદેશ કરાયો હતો.
સિટી લાઇટ રોડ પર સૂર્યા પેલેસમાં રહેતા અભિષેક વિનોદકુમાર ગોસ્વામી ઠાકુરજી ડેવલપર્સના નામે કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. અભિષેકે વેસુ વીઆઈપી રોડ પર શ્રેષ્ઠા ગ્રુપ દ્વારા બનાવાયેલા સોલેરિયમ બિઝનેસ સેન્ટરમાં સુમિત ગોએન્કાના માધ્યમથી પંદર દુકાન બુક કરાવી હતી. વિનોદ ગોસ્વામીએ સુમિત ગોએન્કાને સાથે રાખી શ્રેષ્ઠા ગ્રુપ ડેવલપર્સના ભાગીદાર ભાવિન દુર્લભ પટેલ, પ્રદીપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર શાહ સાથે મિટિંગ કરી ૧.૬૫ કરોડમાં સોદો કર્યો હતો. સુમિત ગોએન્કા ઉપરાંત રાજુ સિંહ અને ઓમકાર સિંહ પણ સોદામાં તથા ફુલ પેમેન્ટની ડાયરી બની એ સમયે હાજર હતા.
ફુલ પેમેન્ટ કર્યા બાદ દસ્તાવેજ કરી આપતા ન હોવાના આરોપ સાથે અભિષેક ગોસ્વામીએ તુષાર શાહ એન્ડ કંપની સામે ફરિયાદ આપી હતી. આ કેસમાં શ્રેષ્ઠા ગ્રુપના તુષાર રજનીકાંત શાહે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી. ૮ ડિસેમ્બર, ૨૦૨૩એ સુપ્રીમ કોર્ટે તુષાર શાહને શરતી જામીન આપ્યા હતા. આ જામીન મળ્યા પછી સુરત પોલીસે ઉદ્યોગપતિને કસ્ટડીમાં લઈને ટોર્ચર કર્યા અને પૈસાની માગણી કરી એવો આક્ષેપ થઈ રહ્યો છે. આ માટેની કોર્ટના તિરસ્કારની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.
ઉદ્યોગપતિ તુષારભાઈ શાહ તરફથી હાજર થયેલા વરિષ્ઠ એડવોકેટ ઈકબાલ સૈયદ અને વકીલ મોહમ્મદ અસલમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તુષારભાઈને સર્વોચ્ચ અદાલતે આગોતરા જામીન આપ્યાના ચાર દિવસમાં ૧૩ ડિસેમ્બરે તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તુષાર શાહને ૧૬ ડિસેમ્બર સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને વધુમાં જણાવ્યું કે શાહને કસ્ટડીમાં ત્રાસ આપવા સાથે ૧.૬ કરોડની માગણી કરાઇ હતી. ઉદ્યોગપતિના વકીલોએ સુપ્રીમ કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટ આ અરજી બાદ લાલઘૂમ થઈ હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાતના અધિક મુખ્ય સચિવ કમલ ડાયાણી, તત્કાલીન સુરત પોલીસ કમિશનર અજય તોમર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર, ઇન્સ્પેક્ટર આર. વાય. રાવલને નોટિસ પાઠવી હતી.
નોટિસમાં પુછાયું હતું કે સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે જામીન મંજૂર કરાયા છે તો પછી તપાસ અધિકારી રિમાન્ડ માટે નીચલી અદાલતમાં અરજી કરવાની હિંમત કેવી રીતે કરી શકે? જામીન હોવા છતાં તેને કસ્ટડીમાં કેવી રીતે લઈ શકાય? જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની સુપ્રીમ બેંચ પોલીસ અધિકારીઓ અને ન્યાયિક મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકરનાં વર્તન પર ગુસ્સે થઈ હતી અને કહ્યું હતું કે આ જાણીજાેઈને કરવામાં આવ્યું છે. આ કોર્ટના આદેશનો ઘોર તિરસ્કાર છે, જેના માટે તેમને છોડી શકાય નહીં અને ટોચથી શરૂ કરીને પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા પડશે.
આ બધું ઇરાદાપૂર્વક થયુંઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે તુષાર શાહને જે પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ માગ્યા હતા, જાેકે પોલીસ એ આપી શકી ન હતી. સુપ્રીમે કહ્યું, એ ચાર દિવસ દરમિયાનના જ સીસીટીવી નથી એનો અર્થ એ કે આ બધું ઈરાદાપૂર્વક જ થયું છે. સુરત ડાયમંડ હબ છે અને દેશનું સૌથી મોટું બિઝનેસ સેન્ટર છે. આવી સ્થિતિમાં સીસીટીવી કેમ કાર્યરત નથી, એનો જવાબ સુરત પોલીસે આપવો જ પડશે.