(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩
ગુજરાતમાં આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. આવતા ત્રણેક મહિનામાં રાષ્ટ્રીય પ્રમુખ તથા પ્રદેશ કક્ષાએ નવી નિમણુંકોનો કાર્યકાળ છે. આ સંજાેગોમાં ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલના સ્થાને પણ નવી નિયુકિત કરવાની થાય છે. તેમનો કાર્યકાળ અગાઉ પૂર્ણ થઈ ગયો છે એટલુ જ નહિં તેઓને કેન્દ્રીય કેબીનેટમાં પણ સ્થાન મળ્યુ છે. જળશકિત મંત્રાલયનો હવાલો ધરાવે છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખપદે સી.આર.પાટીલ ચાલુ રહેશે કે નવી નિયુકિત થશે તે વિશે ભાજપ નેતાગીરી દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. ભાજપમાં આંતરીક અટકળો પણ વિરોધાભાસી છે. એક વર્ગ એવુ માને છે કે સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરનાં બદલાવ અંતર્ગત પાટીલને બદલવામાં આવશે જયારે એક વર્ગનું માનવુ છે કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ સુધી ૨૦૨૫ ના પ્રારંભ સુધી તેમને ચાલુ રાખવામાં આવશે. સંગઠન પર્વની સમાપ્તિ બાદ ભાજપ દ્વારા ચૂંટણી તૈયારી શરૂ કરી દેવામાં આવે તો સ્પષ્ટ છે.નવા પ્રદેશ પ્રમુખ નિયુકત થવાના સંજાેગોમાં રાજયભરમાં જીલ્લા શહેર-જીલ્લા સ્તરોએ નવી ટીમ બનાવવી પડે અને તેમાં સમય જાય તેમ હોવાથી બદલાવની સંભાવના ઓછી છે.