ચંદીગઢ, તા.૪
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઈને રાજકીય હલચલ તેજ છે. હરિયાણા ચૂંટણી સાથે લડવા અંગે રાહુલ ગાંધીની ઓફર પર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે ગઈ કાલે મોટું નિવેદન આપ્યું હતું. પરંતુ આજે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાઓ સંભવિત ગઠબંધન અંગે કોંગ્રેસને સલાહ આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે, હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન ન થવું જાેઈએ. કોંગ્રેસ આમ આદમી પાર્ટીથી જેટલી દૂર રહેશે એટલું જ તેના માટે સારું છે.
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સંભવિત ગઠબંધન અંગે આપના વરિષ્ઠ નેતા સજય સિંહે કહ્યું કે આગામી થોડા જ દિવસોમાં હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. એ સ્પષ્ટ થઈ જશે કે અમે રાજ્યની ૯૦ બેઠકો પર ચૂંટણી લડીશું કે નવ બેઠકો પર.
બીજી તરફ આપ હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ કહ્યું કે, રાજ્યમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સંભાવનાથી ઈનકાર ન કરી શકાય. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતૃત્વ સંભાવના શોધી રહી છે. જાે સંભાવના બનશે તો અમે તે દિશામાં આગળ વધીશું. પરંતુ ગઠબંધન સ્થાનિક સ્તરના ર્નિણય પર નહીં થશે પરંતુ હાઈકમાન્ડ તેના પર ર્નિણય કરશે. તેમણે કહ્યું કે, આપનો હેતુ ભાજપની અહંકારી તાનાશાહી સરકારને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનો છે અને તેના માટે જે રસ્તો અપનાવવો પડશે એ અપનાવીશું. ગઠબંધન પર જે પણ ર્નિણય લેવામાં આવશે તે રાજ્ય અને દેશના હિતમાં જ લેવામાં આવશે. ભાજપની હરિયાણામાંથી વિદાય નક્કી છે. બંને પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે પરંતુ હું ૯૦ બેઠકો પર તૈયારી કરી રહ્યો છું. આમ આદમી પાર્ટીનો ૯૦ બેઠકો પર આધાર છે, ઉમેદવારોની ચકાસણી થઈ ચૂકી છે.
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીરેન્દ્ર સિંહે કહ્યું કે, આમ તો કોંગ્રેસ ૯૦ બેઠકો પર ચૂંટણી લડવા માટે સક્ષમ છે. હરિયાણામાં લોકો ઇન્ડિયા ગઠબંધન અંગે વાતો કરી રહ્યા છે. કોંગ્રેસ કોઈનાથી નબળી નથી. પરંતુ સાથીઓને સાથે લઈને ચાલવું એ પણ અમારું કામ છે.
