(સિટી ટુડે) સુરત, તા.૦૫
શહેરના બિલ્ડર સાથે કરોડોની જમીનનો સોદો કર્યા બાદ બારોબાર વેચી દેવાના કેસમાં જેલવાસ ભોગવતા માંગરોળના ૭૧ વર્ષિય યુસુફ અહમદ બાંગીની જામીન અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.કોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર વેસુ વિસ્તારમાં ઓફિસ ધરાવતા બિલ્ડર કૃષ્ણદત્ત દુબે (રહે. ડિંડોલી) એ તાજ મોહમ્મદ, કય્યુમ રસૂલ શેખ, યુસુફ અહેમદ બાંગી અને જાવેદ તાજ મોહમ્મદ વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં રૂ. ૧.૪૫ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપ મુજબ, આરોપી કય્યુમ અને યુસુફે અંકલેશ્વર પાસેની એક જમીન કૃષ્ણદત્તને વેચી દલાલી તરીકે મોટી રકમ પડાવી હતી. ત્યાર પછી જ્યારે ક્રિષ્ના દત્તે આરોપી તાજ મોહમ્મદ સાથે આ જમીન વેચવાનો સોદો કર્યો ત્યારે આરોપી તાજ મોહમ્મદ અને તેના પુત્ર જાવેદે આરોપી કય્યુમ અને યુસુફ સાથે મળીને જમીન પોતાના નામે કરી લીઘી હતી.
આ કેસમાં પોલીસે ધરપકડ કરેલા આરોપી પૈકી યુસુફ બાંગીએ અત્રેની કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ જે.એન. પારડીવાળાએ તપાસ કરનાર અમલદારનું એફિડેવિટ રજૂ કરી દલીલ કરી હતી. જયારે મૂળ ફરિયાદી તરફે એડવોકેટ અશ્વિન જાેગડિયાએ એફિડેવિટ રજૂ કર્યું હતું. બન્ને પક્ષકારોને સાંભળી કોર્ટે જામીન અરજી રદ્દ કરી હતી અને ટાંક્યુ હતું કે, ‘હાલના આરોપીએ વિવાદીત સોદા ચિઠ્ઠીમાં સાક્ષી તરીકે સહી કરી છે તેમજ સાટાખત તથા એમ.ઓ.યુ.માં આરોપીનું નામ છે. તેમજ ફરિયાદી કોઇ દિવસ અંગ્રેજીમાં સહી કરતા ન હોય તેવી સમાધાન ચિઠ્ઠીમાં આરોપી દ્વારા સહી કરવામાં આવી છે અને તે બાબતે ફરિયાદીના એકાઉન્ટની વિગતો મંગાવી ખરાઇ કરવામાં આવી છે.’