પોલીસ દ્વારા કરાયેલી કામગીરી સામે મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા
પોલીસ કમિશનર કચેરીએ જઇ લેખીતમાં ફરીયાદ કરવામાં આવી
(સિટી ટુડે) સુરત,તા.૧૩
સુરત શહેરમાં કલંકીત રૂપ બનેલી ગણેશ પંડાલવાળી ઘટનાને લઇ સુરત શહેરના મુસ્લિમ સમાજ સાથે થઇ રહેલી નાઇંસાફીને લઇ હવે મુસ્લિમ સમાજની મહિલાઓએ મોરચો સંભાળી પોલીસ કમિશનર કચેરીએ જઇ નિર્દોષો સાથે થઇ રહેલી કાર્યવાહી સામે આવાજ ઉપાડ્યું છે. લેખીતમાં કરાયેલી ફરીયાદમાં પોલીસ દ્વારા જે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે તેમાં વધુ પડતા ઇસમો નિર્દોષ હોવાના અને પોલીસ દ્વારા ઘરોના દરવાજા તોડી ખોટી રીતે ધરપકડ કરાઇ તે અંગે લેખીતમાં ફરીયાદ કરી છે.
સુરત શહેરમાં બનેલી ગણેશ પંડાલવાળી ઘટના બાદ જે રીતનું રાજકારણ ચાલી રહ્યું છે જેમાં ફક્ત એક જ સમાજને સાચવવા અને મુસ્લિમ સમાજ સાથે ખોટી કાર્યવાહી કરવા અંગે વારંવાર થઇ રહેલી ફરીયાદ બાદ ગતરોજ સૈયદપુરા, રામપુરા તથા અન્ય વિસ્તારોની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રીત થઇ પોલીસ કમિશનર કચેરીએ લેખીતમાં ફરીયાદ કરવા પહોંચી હતી.
મહિલાઓએ કરેલા આક્ષેપો મુજબ, પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડમાં પોલીસે ભેદભાવ કર્યો છે અને જે વ્યક્તિઓની ધરપકડ થઇ છે તેમાં કેટલાક વ્યક્તિઓ તો ઘરે સુતા હોવા છતાં જબરદસ્તી ઘરોમાં ઘુસી નિર્દોષો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને જણાવ્યું હતું કે, પોલીસ ફ્ક્ત મુસ્લિમ સમાજને જ કાયદો બતાવી રહી છે જ્યારે ખરેખર તો ગુનેગારો જેમના કારણે સુરત શહેરનું માહોલ અને કોમી એકતાનો લાંછન લગાવતો કૃત્ય કરાઇ રહ્યો છે તે ગુનેગારો હાલ પણ શહેરમાં બેખોફ ફરી રહ્યા છે. ગુનેગારો સામે કડક થી કડક પગલા ભરવા અને પક્ષપાત વગત કામગીરી કરવા માંગ કરી છે.
