સૈયદપુરાની હિંસા બાદ પોલીસ હાઈએલર્ટ પર
શહેરના સંવેદનશીલ વિસ્તારમાં SRP નું ફ્લેગ માર્ચ, ડ્રોન સર્વેલન્સ સાથે સો.મીડિયા-અસામાજિક તત્ત્વો પર ચાંપતી નજર
કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ સહિત પોલીસ તમામ ૩૦૦થી વધુ અસામાજિક તત્ત્વો કે જેઓની વિરુદ્ધ ભૂતકાળમાં રાઇટીંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, તેમની ઉપર ચાપતી નજર રાખી રહી છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકવામાં આવી રહી છે, જેના કારણે અફવા તે કોઈ ધાર્મિક લાગણી દુભાવે આવા પોસ્ટ ઉપર પણ પોલીસની ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
સુરત, તા.૧૩
સુરતના સૈયદપુરા ગણેશપંડાલ પર પથ્થર મારાની ઘટના બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે. સુરત પોલીસ ગણેશ વિસર્જન અને ઈદના પર્વ પર કોઈપણ રમખાણ કે અપ્રિય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી લઈ રહી છે.
સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ડ્રોન સર્વલેન્સથી પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયા અને અસામાજિક તત્ત્વો પર પણ પોલીસ નજર રાખી રહી છે.
સૈયદપુરા પોલીસ ચોકી પાસે બનેલી ઘટના બાદ હવે સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. સુરત પોલીસ કમિશનર પોતે સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ રહી છે. જ્યારે બીજી બાજુ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ઉધના, લિંબાયત, અઠવા નાનપુરા રાંદેર સહિતના વિસ્તારોમાં એસઆરપીની ટુકડી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ઈદ અને ગણેશ વિસર્જનના પર્વ પર કોઈ અસામાજિક તત્ત્વ કોઈ કાવતરું કે આયોજન ન કરે આ માટે પોલીસ હાઈ એલર્ટ પર છે.
સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. આ માટે ૧૩,૦૦૦થી વધુ પોલીસ તેનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ૭,૦૦૦ હોમગાર્ડ સહિત ૮ એસઆરપીની ટીમ પણ સુરતમાં સંવેદનશીલ વિસ્તારોમાં તેનાત કરવામાં આવી છે. આ વખતે વિસર્જન પહેલા ઈદ પણ હોવાથી બંને પ્રસંગ શાંતિપૂર્વક યોજાઈ આ માટે સુરત પોલીસ દ્વારા રણનીતિ બનાવવામાં આવી છે.