સુરત, તા.૧૪
સુરતના સૈયદપુરામાં ૮ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થતાં હિંસા ભડકી હતી. આગામી ૧૬ સપ્ટેમ્બરે ઈદ અને ગણેશ વિસર્જન બન્ને સાથે હોવાથી આ દિવસે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા સુરત પોલીસ તૈયાર નથી. સંવેદનશીલ વિસ્તારો માટે પોલીસે ખાસ રણનીતિ ઘડી છે. આ વખતે સરકારીની સાથે-સાથે પ્રાઈવેટ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે. ધંધાના સ્થળે કે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે.
૭ ડ્રોનથી સતત સર્વેલન્સ અને પોલીસના પ્રાઇવેટ વીડિયોગ્રાફર પણ રહેશે. ઉપરાંત ૩૨૦ ધાબા પર પોલીસની ખાસ ટીમ તૈનાત હશે. બે ધર્મના તહેવાર પર અંદાજે ૧૫,૦૦૦થી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે. હાલમાં પણ ગણેશ પંડાલ બહાર પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત છે.
સૈયદપુરાની હિંસા બાદ સુરત પોલીસ હાઈએલર્ટ પર છે. ઈદ અને ગણેશ વિસર્જન પર કોઈ અઈચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોમ્બિંગ બાદ હવે ડ્રોન સર્વેલન્સના આધારે પોલીસ દરેક વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે. શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા કેટલાક ગણેશ પંડાલમાં પોલીસ કર્મીઓ તૈનાત છે, જેથી કોઈપણ અસામાજિક તત્ત્વો વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરે. પોલીસ જમીન અને આકાશથી સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહી છે.
આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના ૧૬૦૦ જેટલા કેમેરા છે. સાથો સાથ ત્યાં કોર્પોરેશનના પણ કેમરા છે. ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી ૩૦૦ અલગ કેમેરા લાગેલા છે. અમારા ૩,૦૦૦થી વધુ આ વિસ્તારોમાં કેમેરા છે. આ સિવાય ઘણા બધા કેમેરા સ્થાનિક નાગરિકોના છે. ઘરમાં અને કામ ધંધાના સ્થળે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ અમે કરવાના છીએ. જ્યાં કેમેરા નથી, ત્યાં અમે પોતાના પ્રાઇવેટ વીડિયોગ્રાફર મૂકવાના છીએ.
વધુમાં ઉમેર્યું કે, ૪૦ એવા સ્થળો નક્કી કર્યા છે, જ્યાં ટેમ્પરરી કોર્પોરેશન તરફથી કેમેરા લગાવવામાં આવશે. જ્યાં અમને લાગે છે કે, આ ગ્રે એરિયા છે, ત્યાં અમે કેમરા લગાવી રહ્યા છીએ. ડ્રોનથી સતત સર્વેલન્સ કરવામાં આવશે. ગલી અને ધાબા પર શું ચાલી રહ્યું છે તે અંગેની માહિતી અમે મેળવીશું. ધાબા અને અગાસી પર અમારી ટીમ તહેનાત રહેશે. ૩૨૦ ધાબા ઉપર ત્રણથી ચાર પોલીસ કર્મીઓ સુરક્ષા બંદોબસ્ત માટે રહેશે. તમામને ચેનલ નંબર આપવામાં આવ્યા છે, જેથી સહેલાઈથી અમે કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર લાગે તો અમે પગલાં લઈ શકીએ.
અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં ધાબાના ૩૨૦ પોઈન્ટ પોલીસે નક્કી કર્યા છે. અહીં ક્યુઆરટીની ૭ ટીમ તહેનાત રહેશે. વીડિયો કેમેરા ૧૨૫ રહેશે. ૭ ડ્રોન કેમેરાથી ગલી અને ધાબા ઉપર બાજ નજર રાખવામાં આવશે. ૪૦૦ ડીપ પોઇન્ટ છે. વરુણ વાહન ૧ અને વ્રજવાહન ૭ તહેનાત કરાશે. આ ઉપરાંત એસોજીની ૪ ટીમ અને ડીસીપીની ૧૦ ટીમ પણ તહેનાત રહેશે. પોલીસ કર્મીઓ ૯૦૦ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે.
સુરતમાં ૭,૦૦૦ હોમગાર્ડ, એસઆરપીની ૧૧ કંપની, ટીઆરબીના ૧૬૦૦ જવાન અને પોલીસના ૬,૮૦૦ પોલીસ કર્મીઓ સહિત ૧૩ પોલીસ ઇન્સ્પેક્ટર, ૩૨૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહેરભરમાં તહેનાત રહેશે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવે તો ૧ પોલીસ કમિશનર , ૧ સ્પેશિયલ પોલીસ કમિશનર, ૩ જાેઈન્ટ પોલીસ કમિશનર, ૧૬ ડીસીપી અને ૩૪ એસીપી સતત ફિલ્ડ પર મોનિટરિંગ કરશે.