નવસારી, તા.૧૩
ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે નવસારીના ચીખલી સ્થિત મજીગામ ખાતે વિઘ્નહર્તાના દર્શન કર્યા બાદ ગણેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવી શકાય એવી પોલીસ વિભાગે વ્યવસ્થા કરી હોવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શ્રી ગણેશ મંડળોમાં વિઘ્નહર્તાના દર્શને પહોંચ્યા હતા. સવારે વલસાડના ધરમપુર તેમજ વલસાડ શહેરના અનેક ગણપતિ મંડળોમાં વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ તેમજ ભાજપી આગેવાનો અને કાર્યકરો સાથે ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી મંડળના યુવાનોને મળ્યા હતા. શ્રી ગણેશજીના દર્શન કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં ડ્રગ્સના દાનવને નાથવા માટે પોલીસ સખત પરિશ્રમ કરી રહી હોવાની વાત કરી હતી. ત્યારે ગુજરાતમાં સૌ શાંતિપૂર્ણ રીતે ગણેશ ઉત્સવ ઉજવી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સુરતની ઘટના બાદ ગણેશ વિસર્જનના દિવસે કોઈ અનહોની ન થાય તે માટે ગૃહ મંત્રીએ કહ્યું કે ગુજરાત શાંતિ પ્રિય રાજ્ય છે, ગુજરાતની ધરતી ગુજરાત જ નહીં પરંતુ દેશના યુવાનોના સપનાઓ સાકાર કરવા માટેના પ્રયાસો કર્યા છે, ગુજરાતમાં સૌ તહેવારો સાથે મનાવવામાં આવે છે.
ગણપતિ ભક્તો ગણેશજી પૂજા અર્ચના રાજી ખુશીથી કરે એ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે એ લોકો ફાયદામાં રહેશે ની વાત કરી ગુજરાતની શાંતિ ડોહોડવાને પ્રયાસ કરનારાઓને સાનમાં સમજી જવા જણાવ્યું હતું.
![ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું, ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે](https://citytodaydaily.co.in/wp-content/uploads/2024/09/002.jpg)