સુરત, તા.૧૫
સુરતમાં વરિયાવી બજાર અને સૈયદપુરામાં પથ્થરમારો થતા શહેર પોલીસ આગામી ઇદે-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇ હાઇ એલર્ટ પર આવી ગઇ છે. આવતી કાલે (૧૬ સપ્ટેમ્બર) ઈદ અને મંગળવારે નીકળનારી બાપ્પાની વિસર્જન યાત્રામાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન, ડ્રોમ કેમેરાથી પણ શહેર આખાની વિસર્જન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાશે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, ટીઆરબી, રેપિડ એક્શન ફોર્સ મળી ૧૫ હજારથી પણ વધુ જવાનો વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે. આજે ભાગળ ખાતે ઈદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરીને રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવશે. આવતીકાલે ઈદ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈ શહેર પોલીસ તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. સૈયદપુરામાં પથ્થરમારાને પગલે પોલીસ તંત્ર શહેર આખામાં કોમ્બિગ, ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. ડ્રોન કેમેરા ઉડાડીને પણ સતત સર્વેલન્સ કરાઇ રહ્યું છે. બીજી તરફ વિસર્જનના આગલા દિવસે ઇદે-મિલાદ હોય બંને કોમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર માટે અગ્નિપરિક્ષા સમાન પૂરવાર થયું છે.આજે સુરત પોલીસ કમિશનર સહિતનો મોટો પોલીસનો કાફલો અને રેપિડ એક્શન ફોર્સની જવાનો દ્વારા ફ્લેગમાર્સ કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આવતીકાલે ઈદના જુલુસ નીકળનાર છે. અંદાજે ૧૪૪ જેટલા ઇદના જુલુસ નીકળશે પણ તે કોઈ રાજમાર્કે મુખ્ય માર્ગ પર નહીં આવે. જ્યારે બીજા દિવસે વિસર્જન હોવાથી ૮૦,૦૦૦ જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે. જેને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. સૈયદપુરાની ઘટના બાદ પોલીસ સતત એલર્ટ રહી ફરજ બજાવી રહી છે. પોલીસ મથકો પ્રમાણે શાંતિ સમિતિની મીટિંગો યોજી ઈદ અને વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવા ગણેશ આયોજકોને તાકીદ કરાઈ રહી છે.
કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ, વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૦૦ શકમંદો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. પોલીસે પાલિકા, વીજ કંપની સહિતની એજન્સીના અધિકારીઓ સાથે સંકલનમાં રહી વિસર્જન રૂટની પણ સતત ચકાસણી કરી રહી છે. ઈદ અને વિસર્જન નિર્વિઘ્ને પાર પડે તે માટે પોલીસ દિવસ-રાત દોડધામ કરી રહી છે.
આ વખતે શહેરના મુખ્ય વિસર્જન રૂટ, કૃત્રિમ-કુદરતી ઓવારા, સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેક-ઠેકાણે ૧૫ હજારથી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડ જવાનો, આરએએફ જવાનો તૈનાત રહેશે. પોલીસ સીસીટીવી કેમેરાથી વિસર્જન પ્રક્રિયા પર બાજ નજર રાખશે. સાથોસાથ પોલીસ જવાનો બોડીવોર્ન કેમેરા અને ૧૦ ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરશે. ચાલું વર્ષે શહેરના ૨૧ કૃત્રિમ અને ડુમસ, હજીરાના ૩ કુદરતી ઓવારા પરથી નાની-મોટી મળી ૮૦ હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે.
વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપો. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા પકડાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઈદ અને વિસર્જનને લઈને સોશિયલ મીડિયા પર સુરત પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
