સુરત,તા.૨૩
સુરતમાં ગઈકાલે બિઝનેસની ઓફીસની આડમાં નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું હતું. જેમાં પોલીસે બે સગાભાઈઓ અને નકલી નોટની ડીલેવરી લેવા આવેલા બે યુવાનોને પણ ઝડપી પાડ્યા છે. ૧,૨૦,૨૦૦ રૂપિયાની હાઈ ક્વોલિટી ડુપ્લિકેટ નોટો તથા નોટો છાપવાની સાધન-સામગ્રી જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરતા ગઠિયાઓની મોડેસ ઓપરેન્ડી પણ સામે આવી છે.
એસઓજી પોલીસની ટીમે સરથાણા વિસ્તારમાં આવેલા એપ્પલ સ્ક્વેર બિલ્ડીંગમાં દરોડો પાડ્યો હતો. અહી ઓનલાઇન હોઝીયરી બિઝનેસની ઓફીસની આડમાં નકલી નોટો છાપવાનુ કામ ચાલતું હતું. પોલીસે દરોડો પાડીને ઇવેન્ટ મેનેજેમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ૨૪ વર્ષીય રાહુલ શંભુભાઈ ચૌહાણ, સાડીમાં જાેબવર્કનું કામ કરતા ૨૫ વર્ષીય પવન શ્રીકૃષ્ણભાઈ બાનોડે અને ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલા ૨૭ વર્ષીય ભાવેશ દિપકભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા.
એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્ક્વેર નામની બિલ્ડીંગમાં હોઝીયરી બિઝનેસની ઓફિસની આડમાં નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એસઓજી પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી ૩ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ૧૦૦ રૂપિયાના દરની ૧,૨૦,૨૦૦ રૂપિયાની ૧૨૦૨ નકલી નોટ મળી આવી હતી. આ ઉપરાંત નોટની અંદર વપરાતી શાહી, રફ કાગળો, પ્રિન્ટર, પેનડ્રાઈવ વગેરે મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ બનાવમાં ઝડપાયેલો સાગર અગાઉ સિંગાપોરમાં હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરીને આવ્યો છે અને માસ્ટરમાઈન્ડ પણ તે જ છે અને ભાવેશ અને સાગર રાઠોડ આ બંને ભાઈઓ આ નકલી નોટ બનાવવાનું કામ કરતા હતા જયારે અન્ય બીજા ઈસમો રાહુલ ચૌહાણ અને પવન શ્રીકૃષ્ણભાઈ બાનોડે આ બંને ડિલિવરી લેવા માટે આવ્યા હતા જે તે વખતે સ્થળ પરથી સાગર ભાગી ગયો હતો પરંતુ, વહેલી સવારે તેને પણ પકડી લેવામાં આવ્યો હતો. આમ, સુરત ર્જીંય્ પોલીસે આ ગુનામાં કુલ ૪ આરોપીઓની હાલ સુધી ધરપકડ કરી છે.
પ્રાથમિક પૂછપરછમાં પહેલા તેઓએ ૧૦ હજાર રૂપિયાની નકલી નોટ બનાવીને લારી ગલ્લે અથવા તો ચાની કીટલી વગેરે જગ્યાએ વરાછા વિસ્તારમાં વાપરી હતી. ૧૦૦ રૂપિયાની જ નોટ છાપવા પાછળનું કારણ એ છે કે કોઈને શંકા ના જાય કે આ નોટ નકલી હશે, ૫૦૦ રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા પણ જતી હોય છે અને અગાઉ ૫૦૦ રૂપિયાની નોટો પણ પકડાઈ ચુકી છે તો લોકો વધારે ખરાઈ કરતા હોય છે જેથી આ લોકોનો ઈરાદો છે કે, ૧૦૦ રૂપિયાની નોટો છાપીશું તો જલ્દી પકડાઈશું નહિ.
વધુમાં જણાવ્યું હતું કે સાગર રાઠોડ છે તેણે ફર્ઝી વેબસીરીઝ જાેઇને તેને આ વિચાર આવ્યો હતો અને ત્યારબાદ યુટ્યુબ પર વિવિધ વીડિયો દ્વારા બધું શીખી અને જે મુદામાલ પકડાયો છે શાહી, કાગળ તે બધું તેણે સુરતથી જ અલગ-અલગ જગ્યાએથી લઈને આ કામ કરતા હતા. લગભગ છેલ્લા છ મહિનાથી આ લોકો આ કામ કરતા હતા.
ચાર આરોપીઓમાંથી ભાવેશ અને સાગર રાઠોડ બંને સગા ભાઈઓ છે, તે બંને આ નોટો બનાવવાનું કામ કરતા હતા અને બીજા આરોપી રાહુલ ચૌહાણ અને પવન બાનોડે જેમાં રાહુલ મૂળ મધ્યપ્રદેશ અને પવન મહારાષ્ટ્રનો વતની છે. તેઓ સુરતમાં જ રહેતા હતા. એક અસલી નોટની બદલે ૩ નોટ આ લોકો તેને આપતા હતા અને તેઓ ડિલિવરી લેવા આવ્યા હતા અને એ દરમિયાન જ ઝડપાઈ ગયા હતા.