બૈરૂત, તા.૨૩
ઈઝરાયલે સોમવારે લેબેનાનમાં લગભગ ૩૦૦ સ્થળ પર હવાઈહુમલા કર્યા હતા. અલ જઝીરાએ લેબેનાનના સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા ૧૮૨ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબેનાનમાં બે દિવસથી શાળાઓ બંધ છે.
હુમલા બાદ હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે કહ્યું હતું કે તેમણે ઇઝરાયલના હથિયારોના વેરહાઉસ પર ડઝનેક મિસાઇલો છોડી છે. આઇડીએઇ એ કહ્યું હતું કે લેબેનાનથી ૩૫ રોકેટ છોડવામાં આવ્યાં હતાં. એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઘણાં રોકેટને તોડી પાડવામાં આવ્યાં છે. આ હુમલામાં ઈઝરાયલને કેટલું નુકસાન થયું છે એ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
અહેવાલ અનુસાર, લેબેનાનના આરોગ્ય મંત્રાલયે દક્ષિણ લેબેનાનની તમામ હોસ્પિટલોને ઇમર્જન્સી ન હોય એવી સર્જરીઓ રદ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ એટલા માટે આપવામાં આવ્યો છે કે ઇઝરાયલ હુમલામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે.ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, ઈઝરાયલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહે લોકોના એપાર્ટમેન્ટમાં મિસાઈલ લોન્ચર છુપાવી રાખ્યાં છે. ત્યાંથી તેઓ ઈઝરાયલ પર હુમલો કરે છે. ઈઝરાયલ આ ઈમારતોને નષ્ટ કરવા માગે છે, તેથી ઈઝરાયલે અહીં રહેતા સામાન્ય લોકોને તેમના ઘર છોડવા માટે કહ્યું છે.
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. હિઝબુલ્લાહ પર દબાણ લાવવા માટે, ઇઝરાયલે લેબનોનમાં ૩૦૦ ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ દાવો ઈઝરાયેલની સેના દ્વારા કરવામાં આવ્યો છે. જાે કે હજુ સુધી લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી થયેલા હુમલા અંગે કોઈ માહિતી સામે આવી નથી.