લેબેનોન , તા.૨૪
લેબેનોન પર ઇઝરાયેલી હુમલાઓમાં ૯૦થી વધુ મહિલાઓ અને બાળકો સહિત ૪૯૦થી વધુ લોકો માર્યા ગયા, લેબેનોની અધિકારીઓએ કહ્યું કે આ ૨૦૦૬ના ઇઝરાયેલ હિઝબુલ્લાહ યુદ્ધ પછીનો સૌથી ઘાતક હુમલો છે. ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહ વિરુદ્ધ પોતાના વ્યાપક હવાઈ અભિયાન પહેલાં દક્ષિણી અને પૂર્વી લેબેનોનના રહેવાસીઓને ખાલી કરવાની ચેતવણી આપી હતી.
બૈરુતના દક્ષિણી ઉપનગરમાં હિઝબુલ્લાહના સીનિયર કમાન્ડર અલી કરાકીને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાની માહિતી છે. ઇઝરાયેલે કહ્યું છે કે તેણે હિઝબુલ્લાહના ૮૦૦થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જ્યાંથી ઇઝરાયેલ પર હુમલા કરવામાં આવતા હતા અથવા તો ત્યાં હુમલાની તૈયારી કરવામાં આવતી હતી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ત્યાં માટે વધારાના સૈનિકો અને હથિયારોનો જથ્થો રવાના કરી દીધો છે. વિસ્તારની બગડતી સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. ૨૦૦૬માં થયેલા ઇઝરાયેલ અને હિઝબુલ્લાહના યુદ્ધ પછી બંને પક્ષોના સંઘર્ષમાં લેબેનોન માટે સોમવાર (૨૩ સપ્ટેમ્બર)નો દિવસ સૌથી વધુ રક્તપાતવાળો રહ્યો.
હમાસના સમર્થનમાં એક વર્ષ પહેલાં હિઝબુલ્લાહની છેડેલી લડાઈ હવે તેના પર ભારે પડતી દેખાઈ રહી છે. તાજા હુમલાઓમાં ઇઝરાયેલી લડાકુ વિમાનો હુમલા માટે લેબેનોનમાં ઘણા નીચે ઉડાન ભરી રહ્યા છે અને હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તાજી કાર્યવાહી હિઝબુલ્લાહના હજારો રોકેટો અને મિસાઇલોને નષ્ટ કરવા માટે કરવામાં આવી હતી. આ યુદ્ધ લેબેનોન વિરુદ્ધ નથી. જ્યારે હિઝબુલ્લાહે કહ્યું છે કે તે ઇઝરાયેલ અને કબજા હેઠળના વેસ્ટ બેંકના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે.
હિઝબુલ્લાહના હુમલાઓમાં એક ઇઝરાયેલી નાગરિકના ઘાયલ થવાની પુષ્ટિ થઈ છે. દિવસે દિવસે તીવ્ર થતા ઇઝરાયેલી હુમલાઓથી લેબેનોની નાગરિકોને હવે યુદ્ધ છેડાવાનો ભય સતાવવા લાગ્યો છે. તેઓ કહી રહ્યા છે કે લેબેનોન યુદ્ધ ઝીલવાની સ્થિતિમાં નથી અને જાન માલના ભારે નુકસાનની આશંકા છે. ઇઝરાયેલી હુમલાઓથી બચવા માટે સીમાની નજીકના દક્ષિણી વિસ્તારમાંથી નાગરિકો સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે, લેબેનોન સરકાર તેમના માટે કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવામાં લાગી ગઈ છે.
આ દરમિયાન ઇઝરાયેલી સેનાએ ખાસ કરીને હિઝબુલ્લાહના પ્રભાવ હેઠળના દક્ષિણી લેબેનોનના સામાન્ય લોકોને સશસ્ત્ર સંગઠનના ઠેકાણાઓથી દૂર રહેવાની ચેતવણી આપી છે. કહ્યું છે કે હિઝબુલ્લાહ લડાઈમાં નાગરિકોને ઢાલ બનાવવા માટે તેમના ઘરોમાંથી હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલી સેનાના પ્રવક્તાએ આ દાવાના સમર્થનમાં લેબેનોનના એક ઘરમાંથી હિઝબુલ્લાહ લડવૈયાઓના ક્રૂઝ મિસાઇલ છોડવાનો વીડિયો બતાવ્યો.