સુરત,તા.૨૫
શહેરમાં રોડ પરના ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. આવી પરિસ્થિતિમાં જ્યારે નવરાત્રિ નજીક છે ત્યારે આ ખાડાઓ સાથે શહેરની બંધ પડેલી સ્ટ્રીટ લાઈટને રિપેર કરવા સુરતના મેયર દક્ષેશ માવાણીએ અલ્ટિમેટમ આપ્યું છે. સોમવાર સુધી શહેરના તમામ ખાડાઓ અને સ્ટ્રીટ લાઈટની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપી છે. સાથે મહાનગરપાલિકાના તમામ કમિટી ચેરમેનો આજથી રાઉન્ડમાં જશે અને મેયરને રસ્તા અને લાઈટની સ્થિતિ અંગે માહિતગાર કરશે. મેયરને ફરિયાદ મળી હતી કે, ખાડાઓ પૂરવામાં કર્મચારીઓ યોગ્ય કામગીરી કરતા નથી. દક્ષેશ માવાણીએ તમામ ઝોનના ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ અને વિવિધ સમિતિના ચેરમેનની તાકીદની બેઠક બોલાવી હતી. તેમજ હવે રસ્તા પરના ખાડા અને બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ મુદ્દે કોઈ બહાનાબાજી નહીં ચાલે એવો સૂર આલાપી ઝોન કક્ષાએ કામગીરી માટે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
સોમવારે રિવ્યૂ બેઠક બોલાવ્યા બાદ ખુદ રાઉન્ડ લેવાની ચીમકી પણ આપી છે. મેયર દક્ષેશ માવાણીએ નવરાત્રિ પર્વ પહેલા રસ્તા પર ખાડા, બંધ લાઈટનો પ્રશ્ન ઉકેલવા તમામ ઝોનના ઝોનલ ચીફ ઓફિસરની બેઠક બોલાવી બેઠકમાં ૯ જેટલી કમિટીના ચેરમેનને પણ બોલાવાયા હતા. બેઠકમાં ઝોનના વડાઓ ખાડા રિપેર માટે કરેલી કામગીરીનો રિપોર્ટ લાવ્યા હતા, પણ તે બાજુએ મૂકી જે કામગીરી બાકી છે તેના પર ધ્યાન આપવાની સૂચના અપાઈ હતી. રવિવાર સુધી કામગીરી આટોપવાનો આદેશ કરાયો છે. ચાલુ સિઝનમાં ડીએલપી હેઠળના કેટલાક રસ્તા પણ ધોવાઈ ગયા હોવાનું નોંધાયું છે. આ મુદ્દે શું કાર્યવાહી કરાઈ તેનો રિપોર્ટ બુધવારે સાંજ સુધીમાં સોંપવાની સૂચના ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલને અપાઈ છે. ઘણા કિસ્સામાં હાઈડ્રોલિક, ડ્રેનેજનું કામ ચાલતું હોવાથી રસ્તા રિપેર થતા નથી એવું બહાનું કાઢવામાં આવતું હતું. તે સામે બેઠકમાં બન્ને વિભાગના અધિકારીઓને હાજર રાખી યોગ્ય સંકલન કરી ઉકેલ લાવવા આદેશ કરાયો છે. બેઠકમાં ખાડા, બંધ લાઈટ મુદ્દે વિવિધ કમિટીના ચેરમેનોને હાજર રાખવામાં આવ્યા હતા. ચેરમેનોને રોજ એક કલાકનો સમય કાઢી વિવિધ વિસ્તારમાં રાઉન્ડ મારી રસ્તા, લાઈટની સ્થિતિનો તાગ મેળવવા સૂચના અપાઈ છે.
મેયરે વરાછા અને અન્ય વિસ્તારમાં તોડી પાડેલા સર્કલ આસપાસ અધૂરી કામગીરી થઈ હોવાની, પેચવર્ક કર્યું ન હોવાની સ્થિતિ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. આવા કિસ્સામાં યોગ્ય કામગીરી માટે આદેશ કર્યો છે.
મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, આગામી ૩ ઓક્ટોબરથી નવરાત્રિ પર્વ શરૂ થવાનો હોય રવિવાર સુધીમાં ઝોન કક્ષાએ રસ્તા-લાઈટ રિપેરની કામગીરી આટોપવાનો આદેશ કર્યો. ત્યારબાદ રિવ્યુ બેઠક અને પછી હું પોતે તમામ વિસ્તારોની મુલાકાત લઈશ. અધિકારીઓ અને ખાસ કરીને તમામ ચેરમેનને પણ સૂચના આપી છે કે, તેઓ પોતાના વિસ્તારમાં જઈને જાેવે કે, કામગીરી પૂર્ણ થઈ છે કે નહીં. અધિકારીઓએ જણાવ્યું છે કે, સોમવાર સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
