નવી દિલ્હી, તા.૩૦
બુલડોઝર કાર્યવાહી પર એક વખત ફરી સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.
આસામના સોનાપુરમાં બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ અવમાનના અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. હવે આ મામલે ૩ અઠવાડિયા બાદ આગામી સુનાવણી થશે. કોર્ટે હાલ યથાસ્થિતિ જાળવી રાખવા માટે કહ્યું છે.
આસામ સરકારે આદિવાસી જમીન પર ગેરકાયદે દબાણ ગણાવતાં બુલડોઝર કાર્યવાહી કરી છે. જે બાદ ફારુક અહમદ સહિત ૪૮ અરજદારે તેને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાવતાં કોર્ટમાં અરજી દાખલ કરી. ૧૭ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં બુલડોઝર એક્શન ૧ ઓક્ટોબર સુધી રોકવાનો આદેશ આપ્યો હતો.
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪એ જમીયતની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગેરકાયદે નિર્માણ સિવાય અન્ય મામલામાં બુલડોઝર એક્શન પર રોક લગાવી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માર્ગ, ફૂટપાથ કે રેલવે લાઈન પર કરવામાં આવેલું ગેરકાયદે નિર્માણ પર આ આદેશ લાગુ થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે તે તમામ પક્ષોને સાંભળીને બુલડોઝર કાર્યવાહીને લઈને સમગ્ર દેશમાં લાગુ થનારા દિશા-નિર્દેશ બનાવશે.
જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ આદેશ અલગ-અલગ રાજ્ય સરકારો તરફથી દંડાત્મક ઉપાય તરીકે આરોપી વ્યક્તિઓની ઈમારતોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી વિરુદ્ધ લાગેલી અરજી પર આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં કહ્યું હતું કે ‘૧ ઓક્ટોબર સુધી અમારી પરવાનગી વિના દેશમાં ક્યાંય પણ બુલડોઝર એક્શન થશે નહીં.’ અરજદાર જમીયત ઉલેમા-એ-હિંદ તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવીને બુલડોઝર એક્શન લેવામાં આવી રહ્યું છે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના આદેશ પર વાંધો વ્યક્ત કરતાં કહ્યું કે ‘અધિકારીઓના હાથ આ રીતે બાંધી શકાય નહીં.’