સુરત, તા.૦૧
લક્ઝરી બસમાં રાજકોટ થી સુરત આવતી વખતે ચોટીલા નજીક એક હોટલ ઉપર અજાણ્યા બદમાશે ઘેન યુક્ત પદાર્થ પીવડાવીને બસની અંદર વેડરોડના બિલ્ડર પાસેથી સોનાની ચેઇન,વીંટી અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૨.૮૪ લાખ ચોરી કરી લેતા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
કતારગામ સ્થિત વેડરોડ ડભોલી ચોક પાસે વૃંદાવન નગર સોસાયટીમાં રહેતા જયંતીલાલ ભુરાભાઈ પાનસુરીયા વ્યવસાયે કન્ટ્રક્શનનું કામ કરે છે. જયંતીભાઈ ભગત તારીખ ૨૩ ઓગસ્ટના રોજ રાજકોટ થી શ્રી નાથજી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મુસાફરી કરી સુરત આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે એક અજાણ્યો બદમાશ પણ મુસાફરી કરી રહ્યો હતો. જયંતીભાઈ સાથે અજાણ્યા બદમાશે વાતચીત કરી મિત્રતા કરી હતી. દરમિયાન તેઓ ચોટીલા ખાતે તુલસી હોટલ ઉપર નાસ્તો કરવા રોકાયા હતા. તે સમયે અજાણ્યા બદમાશે નાસ્તામાં ઘેનયુક્ત પદાર્થ નાખીને જયંતીભાઈ ને નાસ્તો કરાવ્યો હતો ત્યારબાદ તેઓ બસમાં આવી ગયા હતા. દરમિયાન જયંતીભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યારે આ અજાણ્યા બદમાશે જયંતીભાઈ ના હાથમાંથી સોનાની વીંટી ગળામાંથી સોનાની ચેન તેમજ રોકડા રૂપિયા ૨૪,૫૦૦ મલી કુલ ૨.૮૪ લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે જયંતીભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.