સુરત, તા.૦૧
આ સિઝનમાં સર્વત્ર ધોધમાર વરસાદને પગલે નાના મોટા તમામ જળાશયો છલકાયા છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ડેમ ભયજનક સપાટી ૩૪૫ ફુટે પહોંચી ગયો છે. આજે સવારે ૧૦ વાગ્યે ઉકાઈ ડેમ ૩૪૫ ફુટની પુર્ણ ક્ષમતાની સપાટી સુધી પહોંચી ગયો છે. એટલે કે, ઉકાઈ ડેમ આજની તારીખે છલોછલ ભરાઈ ગયો છે. ડેમ પુર્ણકક્ષાએ ભરાઇ ગયા બાદ આવક ૮૫૧૯ ક્યુસેક જેટલું પાણી છોડી દેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનાથી લઈ અત્યાર સુધીમાં ઉકાઈ ડેમમાંથી ૭૬૪૪ એમસીએમ પાણી નદીમાં છોડી દેવાયું છે. જ્યારે ૪૪૦૩ પાણી ડેમમાં સંગ્રહિત થયું છે. આ સીજનમાં ઉકાઈ ડેમમાં ૧૨૦૪૭ મિલિયન ક્યુબીક પાણીની આવક થઈ છે.
ચોમાસાની ઋતુ પુર્ણ થઈ ગઈ છે જોકે વરસાદી સીસ્ટમ સક્રીય થવાને કારણે ગત અઠવાડીયામાં પાછોતરો વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ડેમ આજે મંગળવારે સવારે ૧૦ વાગ્યે સંપુર્ણ ભરાઇ ગયો છે. ઉકાઈ ડેમની સપાટી ૩૪૫ ફુટ ઉપર પહોંચી ગઇ છે. ઉકાઈ ડેમનું ભયજનક લેવલ પણ ૩૪૫ ફુટ જ છે ત્યારે ડેમમાં પાણીની આવક માત્ર ૮૫૧૯ ક્યુસેક છે જેની સામે એટલું જ પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. વધુમાં વિયર કમ કોઝવે ઉપરથી હાલ ૪૨,૯૮૩ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કોઝવેની સપાટી ૬.૫૮ મીટર છે.
