જમ્મુ-કાશ્મીર, તા.૦૧
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. સાંજે ૫ વાગ્યા સુધી ૬૫.૪૮ ટકા મતદાન થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશના ૩૯.૧૮ લાખથી વધુ મતદારો ૪૧૫ ઉમેદવારોના ભાવિનો ર્નિણય કરશે. આ ઉમેદવારોમાં બે પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ અને મુઝફ્ફર બેગનો પણ સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. આ તબક્કામાં સાત જિલ્લાની ૪૦ બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. આ સાથે ત્રીજા તબક્કામાં ૪૧૫ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું હતું. ત્રીજા રાઉન્ડમાં સૌથી વધુ ૧૧ બેઠકો જમ્મુ જિલ્લામાં હતી. ત્યાર બાદ બારામુલ્લામાં ૭, કુપવાડા અને કઠુઆમાં ૬-૬, ઉધમપુરમાં ૪ અને બાંદીપોરા અને સાંબામાં ૩-૩ વિધાનસભા બેઠકો હતી જ્યાં મંગળવારે મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે સાંજે ૫ વાગ્યા સુધી ૬૫.૪૮ ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં ઉધમપુરમાં સૌથી વધુ ૭૨.૯૧ ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે બારામુલ્લામાં સૌથી ધીમી ગતિ ૫૫.૭૩ ટકા મતદાન નોંધાયું હતું. જાેકે, અંતિમ આંકડાઓ આવશે ત્યારે મતદાનની ટકાવારીમાં ફેરફાર થઈ શકે છે. આ પહેલા ૨૫ સપ્ટેમ્બરે બીજા તબક્કામાં જમ્મુ-કાશ્મીરના છ જિલ્લામાં ૫૭.૩૧ ટકા મતદાન થયું હતું. ૧૮ સપ્ટેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં ૬૧.૩૮ ટકા મતદાન થયું હતું.