અમદાવાદ, તા.૩
જાહેર સ્થળો, માર્ગ પરના ધાર્મિક દબાણો દૂર કરવાના મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યાે હતો. જેને હાઇકોર્ટે રેકર્ડ પર લેતાં નોંધ્યું હતું કે,‘ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જમીની હકીકતને ધ્યાનમાં લઇ તેમને દૂર કરવામાં આવ્યા છે. ૧-૭-૨૪થી ૧૦-૯-૨૪માં બે મહિના ૬૦૪ દૂર કરવામાં આવ્યા.
જે પૈકી ૩૧૮ જિલ્લા અને ૨૮૬ કોર્પાેરેશન વિસ્તારમાંથી દૂર કરાયા છે. ૮૭ને રિલોકેટ કરાયા છે અને છ ધાર્મિક દબાણને નિયમિત કરવામાં આવ્યા છે. જાહેર સ્થળો, માર્ગ અને બગીચાઓની જગ્યાએથી દૂર કરવામાં આવ્યા છે. ધાર્મિક દબાણોને દૂર કરવા અને વધુ આવા સ્થળો શોધી કાઢવાના મુદ્દે ગૃહ વિભાગના સચિવ દ્વારા આગામી મુદતે સોગંદનામું કરવામાં આવે. આઠ સપ્તાહ બાદ વધુ સુનાવણી રાખવામાં આવી છે.’ રાજ્ય દ્વારા કરાયેલી પ્રગતિની નોંધ લીધા પછી હાઇકોર્ટે રાજ્યને આ સંદર્ભમાં વધુ પ્રગતિ કરવા માટે વધુ બે મહિનાનો સમય આપ્યો છે. હાઇકોર્ટે ૨૨મી એપ્રિલે રાજ્ય સરકારને જાહેર જમીનો પરના અનધિકૃત બાંધકામોને દૂર કરવાના સર્વાેચ્ચ અદાલતના આદેશના પાલનમાં કોઈ પગલાં કેમ લેવાયા નથી, તે સ્પષ્ટ કરવા તાકીદ કરી હતી. ૨૨મી જુલાઇના રોજ, હાઇકોર્ટે રાજ્ય સરકારને અનધિકૃત ધાર્મિક બાંધકામો અને અતિક્રમણને દૂર કરવા અને નિયમિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા તેના નિર્દેશોનું પાલન કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો. ત્યારબાદ, ગૃહ વિભાગના રાજ્ય સચિવે એક સોગંદનામું દાખલ કર્યું હતું અને એમાં અનધિકૃત ધાર્મિક માળખાઓની ઓળખ માટે લેવાયેલા પગલાં અને તબક્કાવાર રીતે આવા બાંધકામોને દૂર કરવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહી રેકોર્ડ પર મૂકવામાં આવી હતી. સરકાર તરફથી હાઇકોર્ટને જણાવાયું હતું કે, વાસ્તવિક જમીની વાસ્તવિકતા, આવા બાંધકામોને કારણે થતી જાહેર અવરોધની તીવ્રતા અને આવા અનધિકૃત ધાર્મિક માળખાઓ દ્વારા આવરી લેવામાં આવેલ વિસ્તારના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. આ મામલે અગાઉ હાઇકોર્ટ દ્વારા જિલ્લા અને મનપા વિસ્તારોમાં કેટલા ધાર્મિક દબાણો છે, તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી એ તમામની વિગતો કોર્ટ દ્વારા માગવામાં આવી હતી.
