સુરત, તા.૦૭
પિતાએ ધંધા માટે લીધેલા ઉછીના નાણાંની ચુકવણી માટે ચોકબજાર સિંધીવાડમા રહેતા રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક દીકરાએ વેપારીને આપેલા રૂ.૭ લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપી દીકરાને કસુરવાર ઠેરવી ૧ વર્ષની કેદની સજા અને ચેકની દોઢી રકમ ચૂકવવા પણ આદેશ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે,કે ચોક બજાર વડા ચૌટા નેશનલ બેકરી પાસે રહેતા મિયા મોહમ્મદ અબ્દુલ રહેમાન પુનાવાલા મોટર કાર લે વેચનું કામકાજ કરે છે. ચોક બજાર સિંધિવાડ તેમજ નાણાવટ વિસ્તારમાં રહેતો અને રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ધંધો કરતો ઝકરીયા ઉમર કાપડિયા સાથે મિયા મોહમ્મદની મિત્રતા હતી. મિત્રતામાં ધંધાના વિકાસ માટે મિયા મોહમ્મદ પાસે ઝકરીયાના પિતા ઉમર કાપડિયાએ ૭ લાખ હાથ ઉછીના લીધા હતા. ત્રણ મહિનામાં ચુકવણી કરી દેવાની બાંહેધરી આપનાર ઉમર કાપડિયાના પુત્ર ઝકરિયાએ તેના નામનો મિયા મોહમ્મદને રૂપિયા ૭ લાખનો ચેક લખી આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો. જેથી મિયા મોહમ્મદએ સુરત કોર્ટમાં ઝકરિયા કાપડિયા વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. આ કેસમાં કોર્ટે ઝકરીયા કાપડિયાને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને અઢી હજારનો દંડ તેમજ ચેકની દોઢી રકમ ચૂકવી આપવા પણ આદેશ કર્યો હતો.