સુરત, તા.૦૯
સુરત જિલ્લા માંગરોળ તાલુકામાં સંભવિત ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. આણંદથી માંગરોળ ખાતે ઘરે આવેલી કોલેજની વિદ્યાર્થીની ગઇકાલે રાત્રિના સમયે માંગરોળના બોરસરા ગામની સીમ નજીક મિત્ર સાથે બેઠી હતી ત્યારે ત્રણ અજાણ્યાઓએ ત્યાં ધસી જઇ મિત્રને માર મારીને વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવની જાણ થતા એસઓજી, એલસીબી, રેન્જ આઇજી તેમજ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ડોગ સ્ક્વોડની મદદ લઇને આ બનાવની હાલ તપાસ કરાઇ રહી છે. વધુમાં ત્રણ નરાધમો પૈકી એક નરાધમે વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. ઉલ્ લેખનીય છે કે, વડોદરાના ભાયલી વિસ્તારમાં પણ સગીરા તેના મિત્ર સાથે હાજર હતી ત્યારે મિત્રને માર મારીને નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ જધન્ય ઘટના હજી તાજી છે ત્યારે વધુ એક બનાવ માંગરોળમાં બનતા પોલીસ દોડતી થઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ વિદ્યાનગરમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગઇકાલે તેના ઘરે આવી હતી. તેણી ગત રાત્રિના સમયે માંગરોળના બોરસરાગામની સીમમાં મિત્ર સાથે બેસેલી હતી તે સમયે ત્રણ અજાણ્યાઓ તેમની પાસે ધસી ગયા હતા. ડરાવી ધમકાવી વિદ્યાર્થીનીના મિત્રને માર મારવામાં આવ્યો હતો. ત્રણ પૈકી એક યુવક વિદ્યાર્થીનીને સીમથી થોડે દૂર અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને દુષ્કર્મ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ કોસંબા પોલીસને થતા પોલીસે વિદ્યાર્થીનીના નિવેદનો લઇ તપાસ હાથ ધરી હતી. રેન્જ આઇજી, કોસંબા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે આજે વહેલી સવારથી પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. આ અંગે વધુમાં એવું જાણવા મળ્યું છે કે, ત્રણ પૈકી એક આરોપીએ જ વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવી હતી.
