(સિટી ટુડે) સુરત,તા.૧૦
એક દેશમાંથી બીજા દેશમાં મોટા ભાગે સોનાની કે ડ્રગ્સની દાણચોરી અંગે સાંભળવા મળે છે. પરંતુ સુરતમાંથી કતાર અને દુબઈમાં પ્રતિબંધિત એવી એબોર્શનની દવાની દાણચોરીનું રેકેટ સામે આવ્યું છે. આ રેકેટ ચલાવવા માટે મુંબઈમાં બેસેલો અન્ના નામનો શખ્સ ડોલર અને કોસ્મેટિક મોકલવાના નામે ગરીબ મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરે છે. તાજેતરમાં જ આ મામલે સુરતની બે મુસ્લિમ મહિલાની પ્રતિબંધિત દવાઓ લાવવા આરોપસર કતાર એરપોર્ટ બહાર ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, અમારી પાસે બે અરજી આવી છે. આ કામ માટે ગરીબ ઘરની મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે. રેકેટમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
કતારની જેલમાં કેદ બે મહિલામાંથી એકની બહેને જણાવ્યું હતું કે, બન્ને બહેનો સુરતના સૈયદપુરા-રામપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં માતા સાથે રહે છે. પોતે સીવણ કામ કરે છે અને માતા શાકભાજીનું વેચાણ કરે છે. ઘરની પરિસ્થિતિ ખરાબ છે. છેલ્લા ત્રણ મહિનાથી વીજળીનું બીલ અને ભાડા ભરવા માટે પણ પૈસા નહોતા. આ વચ્ચે તેમના નાનપણની બહેનપણી શબનમે તેમને જણાવ્યું હતું કે, તેમના એક ઓળખીતા અન્નાભાઈ કે જેઓ મુંબઈ રહે છે, તેઓ ગરીબ મહિલાઓને કતાર મોકલે છે અને ૧૫ હજાર રૂપિયા આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મહિલાઓને માત્ર ત્યાં કતાર જઈને જે ડોલર તેમને આપવામાં આવ્યા છે, તે ત્યાં સુપરત કરવાના હોય છે. આ માટે તેઓને ૧૫ હજાર રૂપિયા આપે છે, પણ તમને ૨૦ હજાર આપશે. આ માટે પાસપોર્ટ અને વિઝા તમામની વ્યવસ્થા અન્નાભાઈ કરીને આપે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ કામ માટે શબનમબેને કતારની જેલમાં કેદ મહિલા અને તેની માતાને કહ્યું હતું, પરંતુ તે સમયે બન્નેએ ના પાડી દીધી. જે બાદ ઘરની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થતાં આફરિન આ કામ માટે તૈયાર થઈ ગઈ હતી. આવી જ રીતે સુરત શહેરના ચોક ભાગળ વિસ્તારમાં રહેતી એક મહિલા પણ કતાર ગઈ હતી અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને એક નાની દીકરી છે. આ અંગે તેના પતિએ જણાવ્યું હતું કે, મારી સાથે ફ્રોડ થયો છે. સલીમ હૈદરખાન પઠાણ સહિતના લોકો સ્કેમ કરે છે. આ લોકો સુરતની દીકરીઓને ફસાવે છે. તે લોકો કતાર અને દુબઈ મોકલે છે. આ અંગે અમે લાલ ગેટ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પણ ગયા હતા, પરંતુ તેઓએ ફરિયાદ લીધી નથી. જેથી અમે પોલીસ કમિશનરને પણ અરજી કરી છે.
આ તમામ રેકેટમાં અન્ના નામના શખસનું નામ આવે છે, જે હાલ મુંબઈ રહે છે. ગુજરાત સહિત અલગ-અલગ શહેરમાં ગરીબ મુસ્લિમ મહિલાઓને આ લોકો ટાર્ગેટ કરે છે. જે લોકો આર્થિક રીતે પછાત છે, તેમને રૂપિયાની લાલચ આપી તેમને કતાર અને અન્ય દેશોમાં મોકલવામાં આવે છે અને એમની જાણ બહાર ગેરકાયદે રીતે સ્મગ્લિંગ કરાવવામાં આવે છે. ભલે તે દવાઓ હોય કે દાણચોરી હોય આ મહિલાઓને ખબર પણ હોતી નથી કે, જે બેગ આરોપીઓ આપી રહ્યા છે તેની અંદર શું છે? સુરતમાં અન્નાના એજન્ટો રહે છે કે, જેઓ અહીંથી મહિલાઓને કતાર મોકલે છે. આ લોકો પહેલાં ગરીબ મહિલાઓને શોધે છે અને ત્યારબાદ તેમને કતાર મોકલવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. જ્યારે મહિલાઓ તૈયાર થઈ જાય ત્યારે તેમના પાસપોર્ટ અને વિઝા બનાવે છે.
આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાણ થતાં આ સમગ્ર કેસની ગંભીરતા જાેઈ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપી છે. કેસમાં જે પણ આરોપીઓ જણાવવામાં આવ્યા છે, તેઓ મોટા રેકેટ સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ માટે આ તમામની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે. એસઓજી દ્વારા ફરીયાદીઓના નિવેદન લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.