રિમાન્ડ હેઠળ ત્રણ આરોપીઓની સઘન પુછપરછ કરતી પોલીસ
સુરત, તા.૧૭
ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લોભામણી લાલચ આપી તેઓની સાથે ઠગાઈ કરીને મેળવેલા નાણાને યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશ મોકલીને આંતરરાષ્ટ્રીય કૌભાંડ આચરનારા ૩ આરોપીઓની સુરત પોલીસ દ્વારા રિમાન્ડ હેઠળ પૂછતાછ ચાલી રહી છે. મુખ્ય આરોપી મકબુલ ડોક્ટર પાસેથી પાકિસ્તાન,બાંગ્લાદેશ, ચાઈના અને અફઘાનિસ્તાન દેશની નેશનાલીટીવાળા અલગ-અલગ વ્યક્તિઓના મળી આવેલા યુએઈના રેસીડેન્ટ કાર્ડની તપાસ કરવામાં આવી રહી છે. એરટેલ કંપનીના મળી આવેલા સિમકાર્ડના કારણે એરટેલ કંપનીના કર્મચારીઓની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગેની તપાસ પણ જોરમાં આગળ ચાલી રહી છે.
એસઓજી પોલીસને મળેલી મહત્વની વિગતો એ છે કે, મુખ્ય આરોપી મકબુલ ડોક્ટરના મોબાઈલ ફોનમાંથી યુએસડીટી લે-વેચના સ્ક્રિન શોર્ટ,બેંક ટ્રાન્જેક્શનના સ્ક્રિન શોટ,વોલેટ એડ્રેસના ?સ્ક્રિન શોર્ટ અલગ-અલગ વ્યક્તિઓના પાસપોર્ટ પણ મળી આવ્યા છે. પાકિસ્તાન,બાંગ્લાદેશ, ચાઈના અને અફઘાનિસ્તાન દેશની નેશનાલીટીવાળા અલગ-અલગ વ્યક્તિઓના યુએઈના રેસીડેન્ટ કાર્ડ પણ મળી આવ્યા છે. પોતાના જ વોટ્સએપ્પ નંબરમાં અલગ-અલગ ચાઈનીઝ બેંક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરેલાના મેસેજ પણ મળી આવ્યા છે. બાઈનાસ,બીટપાઈ જેવી અલગ-અલગ ક્રિપ્ટોકરન્સીની એપ્લીકેશન પણ મળી છે. તદુપરાંત સાયબર ફ્રોડથી મેળવેલી રકમ ક્રિપ્ટોકરન્સીમાં તબદીલ કરી બહારના દેશમાં મોકલવાનુ સુવ્યવસ્થીત રેકેટ ચલાવતા હોવાની શક્યતા સાથે પણ ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવી રહી છે વધુમાં સાઉદી અરેબીયા,થાઈલેન્ડ, યુએઈ તથા કોમ્બોડીયા દેશનુ ચલણ મળી આવ્યું છે. તે દિશામાં પણ અનુભવી પોલીસની મદદથી તપાસ આગળ લંબાવવામાં આવી છે. વધુમાં આરોપીઓ પાસેથી રૂ.૧૬.૯૫ લાખની રિકવર કરેલી રકમ અંગે પણ તપાસ થઈ રહી છે, યુએસડીટીના લે-વેચની તપાસ થઈ રહી છે, આરોપી મકબુલ ડોક્ટરે દુબઈમાં ડોક્ટર અબ્દુલ જનરલ ટ્રેડિંગ કંપનીના નામે બોગસ કંપની ખોલી ત્યા પૈસા ટ્રાન્સફર કર્યા હોવાની શક્યતા પણ છે તે દિશામાં પણ તપાસ કરાઇ રહી છે.
નોંધનીય છે કે આરોપીઓએ અલગ-અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી છેતરપીંડીથી બેંક એકાઉન્ટો ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા ખોલાવેલા બેંક એકાઉન્ટની ચેક બુક તથા પાસબુક તેમજ બેંક એટીએમ કાર્ડ(ક્રેડિટ કાર્ડ) પોતાની પાસે રાખતા હતા. અને પ્રિ-એક્ટીવ કરેલા સિમકાર્ડનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપીંડી કરી તેમની પાસેથી મેળવેલા નાણા આ એકાઉન્ટમાં જમા કરાવતા હતા. એટલું જ નહી નાણા યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશમાં મોકલી ગુનો આચરતા હતા. આરોપીઓ પાસેથી અલગ-અલગ વ્યક્તિઓના નામના સેવીંગ એકાઉન્ટની ૮ પાસબુક, ૨૯ ચેકબુક,કરંટ બેંક એકાઉન્ટની ૨ ચેકબુક, ૩૮ ડેબીટ કાર્ડ આવ્યા હતા. વધુમાં પોલીસે આરોપીઓની ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જોકે ત્રણેય આરોપીઓ તરફે વકીલ કેતન રેશમવાલાએ જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.