સુરત, તા.૧૮
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાથી હવાલા મારફત આવતા રૂપિયાને ેંજીડ્ઢ્માં કન્વર્ટ કરી આપવાના રેકેટમાં પિતા-પુત્ર સહિત અન્ય એક આરોપીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે. પિતા-પુત્રનાં ૯ જેટલા બેંક એકાઉન્ટ ઉપરાંત હાલ પોલીસને વધુ ૧૫ બેંક એકાઉન્ટની માહિતી મળી છે. આરોપી મકબૂલે દુબઈના રેસિડેન્સ કાર્ડના આધારે ચાઇનામાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું છે. એક લાખથી પણ વધુ વિદેશી કરન્સી આ લોકો પાસેથી મળી આવી છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સોની ફળિયા સિંધીવાડમાં આવેલી સફિયા મંઝિલમાં દરોડો પાડી મકબૂલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબૂલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાને ઝડપી પાડ્યા હતા. બે વર્ષ દરમિયાન આ લોકોએ ૧૦૦ કરોડથી પણ વધુના હવાલાના ટ્રાન્ઝેક્શન કર્યા છે. આરોપી મકબૂલ પાસે દુબઈના રેસિડેન્સ વિઝા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પિતા અને પુત્રના અત્યારસુધીમાં નવ જેટલાં બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે. પરંતુ આ ત્રણેય આરોપીઓના મોબાઈલમાંથી ઘણાં બેન્ક એકાઉન્ટ મળી આવ્યાં છે. હાલ પ્રાથમિક દૃષ્ટિએ તેમના એક મોબાઈલમાંથી ૧૫થી વધુ બેન્ક એકાઉન્ટની ડિટેઇલ મળી આવી છે. જેના માધ્યમથી તેઓએ અલગ અલગ દેશમાં ટ્રાન્ઝેક્શન કર્યા છે. આરોપીઓ પાસેથી એક લાખ રૂપિયાથી પણ વધુની વિદેશી કરન્સી મળી આવી છે. દિરહામ, કંબોડિયન, થાઇ સહિતની કરન્સી મળી આવી છે. તપાસમાં આરોપીઓએ જણાવ્યું છે કે, વિદેશમાં ગયા બાદ ત્યાંથી તેઓ આ કરન્સી લાવ્યા છે.
આરોપીઓ ૮ થી ૯ લાખ રૂપિયામાં સિમકાર્ડ દુબઈમાં સપ્લાય કરતા હતા. અત્યારસુધીમાં તેઓએ ૩,૦૦૦થી પણ વધુ સિમકાર્ડ દુબઈ સહિત અન્ય દેશોમાં મોકલ્યા હોવાની જાણકારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી છે. આ લોકો પાસેથી અલગ અલગ બેંક કિટ મળી છે. ડેબિટ કાર્ડ અને એકાઉન્ટ મળી આવ્યાં છે. અલગ અલગ ફ્રોડના પૈસા આ લોકો આ બેંક એકાઉન્ટમાં નાંખતા હતા. ત્યારપછી તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરતા હતા. સમગ્ર કમાન્ડ અને બેન્ક કિટ એમની પાસે રહેતી હતી. ભલે અલગ અલગ નામથી બેંક એકાઉન્ટ હોય પરંતુ ઓપરેટ આ લોકો કરતા હતા.
આરોપીઓ દુબઈ, બેંગકોક, સાઉદી, સાઉથ આફ્રિકા, યુગાન્ડા, કંબોડિયા જેવા અલગ અલગ દેશોમાં વિઝિટ કરી ચૂક્યા છે. વિદેશમાં તેઓ શા માટે ગયા હતા તે અંગેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વિઝિટ કરવા પાછળનું કારણ શું છે અને શા માટે તેઓ ત્યાં ગયા અને કોને મળ્યા તે અંગેની પણ પૂછપરછ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે.
