સુરત, તા.૧૯
સુરતના પિતા-પુત્રની હવાલાકાંડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. પિતા-પુત્રના બેંક એકાઉન્ટ, વ્હોટ્સએપ ચેટ, ડેબિટ કાર્ડ અને પાસબુક સર્ચ કર્યા બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને અત્યારસુધીમાં ૬૬ કરોડ રૂપિયાથી વધુનાં ટ્રાન્ઝેક્શનની માહિતી મળી છે. તેઓ મજૂરો, બેરોજગાર, દારૂડિયાઓને ટાર્ગેટ કરી ૫-૫ હજાર આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. આ બેંક એકાઉન્ટ ૨૫ હજારમાં કૌભાંડીઓને વેચી દેતા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનું માનવું છે કે આગામી દિવસોમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૧૦૦ કરોડને પાર કરી જશે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સાથે ઇડી અને ઇન્કમટેક્સ પણ તપાસ કરશે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સોની ફળિયા સિંધીવાડમાં આવેલી સફિયા મંઝિલમાં દરોડો પાડી મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાને ઝડપી પાડ્યા હતા. યુએસડીટી ટ્રાન્ઝેક્શન અને આંગડિયા પેઢીનો ઉપયોગ કરી હવાલાકાંડ કરનારા પિતા-પુત્રની ધરપકડ બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનને કારણે હવે આ સમગ્ર મામલે ઇન્કમટેક્સ અને ઇડી પણ તપાસ કરશે. આરોપીઓ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે પછાત લોકોના ડોક્યુમેન્ટ્સ મેળવીને તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. આરોપીઓ પાંચ હજાર રૂપિયા આપીને મજૂરો, જેમની હાલમાં નોકરી ગઈ છે એવા લોકોને, દારૂડિયાઓ અને જેમને પૈસાની જરૂર હોય તેવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને તેમને રૂપિયા આપીને તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. આરોપીઓ ત્યાર બાદ એને ૨૫,૦૦૦માં એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન આચરનાર કૌભાંડીઓને વેચી દેતા હતા. આ એકાઉન્ટ ભલે અલગ અલગ લોકોના નામે હોય, પરંતુ ઓપરેટ આરોપીઓ દ્વારા કરવામાં આવતા હતા. વિદેશોમાંથી આ જ એકાઉન્ટમાં હવાલાનાં નાણાં આવતાં હતાં અને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતાં હતાં. હાલમાં આ પ્રકરણમાં વધુ બે આરોપીની અટકાયત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. સોયબ અને સાદ નામની વ્યક્તિની અટકાયત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ પ્રકરણમાં કરવામાં આવી છે. એટલું જ નહીં, દુબઈમાં બેસીને આ હવાલાકૌભાંડને ઓપરેટ કરનાર અસલમ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ દુબઈ, બેંગકોક, સાઉદી, સાઉથ આફ્રિકા, યુગાન્ડા, કંબોડિયા જેવા અલગ અલગ દેશોમાં વિઝિટ કરી ચૂક્યા છે. વિદેશમાં તેઓ શા માટે ગયા હતા એ અંગેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વિઝિટ કરવા પાછળનું કારણ શું છે અને શા માટે તેઓ ત્યાં ગયા અને કોને મળ્યા એ અંગેની પણ પૂછપરછ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે.હવાલાકાંડનો સૂત્રધાર અમદાવાદનો મહેશ મફતલાલ દેસાઈ, જે હાલમાં દુબઈમાં બેસી આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. સગરામપુરાના સિંધીવાડમાં રહી અને ઘરની નીચે ઓફિસ બનાવી મકબૂલ ડોક્ટર અને તેના દીકરા બસ્સામ ડોક્ટરને આંગડિયા પેઢીમાં કરોડોની રકમ મહેશ દેસાઈ દુબઈથી મોકલતો હતો.
પછી એ રકમથી પિતા-પુત્ર ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટોકરન્સી ખરીદી કરી વોલેટ દ્વારા દુબઈમાં મહેશ દેસાઈને મોકલી આપતા હતા. મકબૂલ ડોક્ટર અને તેના દીકરા બસ્સામ ડોક્ટરને દુબઈમાં મહેશ દેસાઈ સાથે એક વ્યક્તિએ વચ્ચે રહી મુલાકાત કરાવી હતી. મહેશ દેસાઈ અમદાવાદમાં પણ હવાલાકાંડ ચલાવતો હોવાની આશંકા છે. જેમ સુરતમાં મકબૂલ ડોક્ટર છે એવી જ રીતે અમદાવાદમાં તેના પન્ટરો છે. દુબઈમાં મહેશ દેસાઈ યુએસડીટી લે-વેચની સાથે હવાલાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યો છે.
