સુરત, તા.૨૦
સુરતમાં વહેલી સવારની બે કલાકમાં બે અકસ્માતની ઘટના સામે આવી છે. પહેલાં અકસ્માતમાં માતા-પિતાને રેલવે સ્ટેશનથી લેવા બાઈક પર જઈ રહેલા કાપડ વેપારીને પૂરપાટ ઝડપે આવતા કારચલકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજા બનાવમાં સુરતમાં દીકરીને પહેલું કરવા ચોથનું વ્રત હોવાથી સામગ્રી આપવા આવેલા માતાનું મુંબઈ જવાં નીકળતાં રસ્તામાં કાળ ભેટ્યો હતો. પિકઅપ ટેમ્પોના ચાલકે બાઈક સવાર સાસુ-જમાઈને અહફેટે લેતાં જમાઈની નજર સામે જ સાસુનું કરુણ મોત નીપજ્યું હતું.
પહેલાં અકસ્માત અંગેની મળતી માહિતી પ્રમાણે, મૃતક સંજય મૂળ રાજસ્થાનના છે પણ પરિવાર સાથે સુરતના સિટી લાઇટ વિસ્તારમાં સાકાર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક દીકરો છે. સંજય કાપડનો વેપારી છે. આજરોજ વહેલી સવારે જાેધપુરથી માતા-પિતા સૂર્યનગરી ટ્રેનમાં સુરત આવી રહ્યાં હતાં, તેથી સંજય તેમને લેવા માટે સ્ટેશન જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો. ઉધના દરવાજા ઓવરબ્રિજ પર અકસ્માત થયો હતો. વહેલી સવારે કારચાલકે બાઈકને અડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. આ સાથે કારમાં થમ્સઅપની બોટલ, ગ્લાસ અને સિગારેટનું પેકેટ અને ભાજપનો ખેસ પણ મળી આવ્યો હતો.
બીજા અકસ્માતની મળતી માહિતી પ્રમાણે, મુંબઈ ખાતે ૫૧ વર્ષીય મુરાહી રામદત રાય પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ અને સંતાનો છે. જે પૈકી મોટી દીકરીના લગ્ન છ મહિના પહેલાં સુરતમાં રહેતા રાજ સાથે થયા હતા. દીકરીની પહેલી કરવા ચોથ હોવાથી વ્રતની સામગ્રી લઈને માતા ગતરોજ મુંબઈથી સુરત દીકરીના ઘરે આવી હતી. આજે દસ વાગ્યે પરત મુંબઈ જવાની ટ્રેન હતી. જેથી જમાઈ રાજ સાસુને બાઈક પર રેલવે સ્ટેશન ખાતે સવારે ૯ઃ૦૦ વાગ્યે મૂકવા જઈ રહ્યો હતો. બાઈક સવાર જમાઇ અને સાસુ સુરત એપીએમસી નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક પિકઅપ ટેમ્પોચાલક પૂરપાટ ઝડપે આવ્યો હતો અને તેમને અડફેટે લીધા હતા. જેના પગલે જમાઈની નજર સામે સાસુનું ડિવાઇડર સાથે માથું અથડાયા બાદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જાેકે, પિકઅપ ટેમ્પોચાલક ટેમ્પો લઈને ફરાર થઈ ગયો હતો. હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે ટ્રેનમાં આવી રહેલાં માતા-પિતાને લેવા જતા કાપડ વેપારીને કારચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. જેથી કરવા ચોથના દિવસે એક પત્નીએ પતિને ગુમાવ્યો હતો. દરમિયાન બે કલાકના સમયમાં જ બીજાે એક અકસ્માત થયો હતો. જેમાં દીકરીની પહેલી કરવા ચોથ હોવાથી વ્રતની સામગ્રી લઈને માતા મુંબઈથી સુરત દીકરીના ઘરે આવી હતી અને પરત ટ્રેન પકડવા રેલવે સ્ટેશન જઇ રહ્યા હતા ત્યારે પિકઅપ ટેમ્પોચાલકે અડફેટે લેતા રસ્તામાં જ કાળ આંબી ગયો હતો.
