(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૧
દલિતોની જમીનના પ્રશ્ને રજૂઆત કરવા જતાં પોલીસ ભવનમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ની આઇપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસ સંભારણા દિવસ પર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આઇપીએસ પાંડિયન પર ગંભીર આરોપ લગાવ્યાં છે.
આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન પર આક્ષેપ કરતાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, ‘અગાઉ એન્કાઉન્ટરના કેસમાં ૩૦૨ ના આરોપી તરીકે પાંડિયને ૭ વર્ષની જેલ કાપેલી છે.’ તેમણે જણાવ્યું હતું , મારા અથવા પરિવારના સભ્યની જાનહાનિ થાય તો આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે. તા ૨૩ ઓક્ટોબરે ડીજીપી કચેરીએ દેખાવોની મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનએ મારી સાથે ગેરવર્તન કર્યું હતું. મારા કે મારા પરિવારની કે પછી મારી ટીમના કોઈ પણ સદસ્યની હત્યા કે એન્કાઉન્ટર અથવા જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન આજે, કાલે કે ભવિષ્યમાં થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સીઆઈડી ક્રાઇમના વડા આઇપીએસ રાજકુમાર પાંડિયનની રહેશે.
નોંધનીય છે કે, દલિતોની જમીનના પ્રશ્ને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે રાજ્યમાં ૨૦ હજાર એકર જમીન શોધી છે. જેની ફાળવણી દલીત સમાજને થયેલી હોવાનું તેમણે જણાવ્યું છે. આ પ્રકારની જમીન પર સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લા સાયલા તાલુકામાં અને ખાસ કરીને કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકની જમીન પર દબાણ હતું. અમે ૮૦૦ એકર જમીન ખાલી કરાવી અને ગરીબ જમીન વિહોણા લોકોને અપાવી છે.
