નવી દિલ્હી, તા.૨૧
સુપ્રીમ કોર્ટે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સની મદરેસાઓ બંધ કરવાની ભલામણ પર સ્ટે લાદ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એનસીપીસીઆર ની એનસીપીસીઆર ભલામણ પર કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પાઠવી છે. ચાર સપ્તાહ બાદ ફરી સુનાવણી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટે યુપી સરકારના માન્યતા વિનાના મદરેસાના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ટ્રાન્સફર કરવાના ર્નિણય પર પણ રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ એનસીપીસીઆર એ શિક્ષણ અધિકાર કાયદાનું પાલન ન કરવા બદલ સરકારી ભંડોળ અને સહાયોના આધારે ચાલતી મદરેસાઓને બંધ કરવાની ભલામણ કરી હતી. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે, તેના તાજેતરના અહેવાલમાં, મદરેસાઓની કામગીરી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને જ્યાં સુધી તેઓ શિક્ષણ અધિકાર કાયદાનું પાલન ન કરે ત્યાં સુધી સરકાર દ્વારા તેમને આપવામાં આવતા ભંડોળ અટકાવવા અપીલ કરી હતી. એનસીપીસીઆર એ આરટીઇ ઍક્ટ, ૨૦૦૯ મુજબ મૂળભૂત શિક્ષણ મેળવવા માટે તમામ બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી દૂર કરી તેમને સામાન્ય શાળાઓમાં દાખલ કરવાની ભલામણ કરાઈ હતી. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે કહ્યું હતું કે મુસ્લિમ સમુદાયના બાળકો જે મદરેસાઓમાં અભ્યાસ કરી રહ્યા છે, પછી ભલે તે માન્ય હોય કે ગેરમાન્ય, તેમને પણ સામાન્ય શાળાઓમાં દાખલ કરવામાં આવે અને આરટીઇ ઍક્ટ ૨૦૦૯ મુજબ નિયત સમય અને અભ્યાસક્રમમાં શિક્ષણ આપવામાં આવે.
કમિશને કહ્યું કે ગરીબ મુસ્લિમ બાળકો પર વારંવાર બિનસાંપ્રદાયિક શિક્ષણને બદલે ધાર્મિક શિક્ષણ મેળવવા માટે દબાણ કરવામાં આવે છે. એનસીપીસીઆર એ કહ્યું કે જેમ સમૃદ્ધ પરિવારો ધાર્મિક અને નિયમિત શિક્ષણ મેળવે છે, તેમ ગરીબ બાળકોને પણ આ શિક્ષણ આપવું જાેઈએ. અમે ઇચ્છીએ છીએ કે દરેકને સમાન શૈક્ષણિક તકો પૂરી પાડવામાં આવે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના અધ્યક્ષ પ્રિયાંક કાનુન્ગોએ જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય મદરેસાઓને બંધ કરવા માટે કહ્યું નથી, પરંતુ તેમણે સરકાર દ્વારા આ સંસ્થાઓને આપવામાં આવતા ભંડોળ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે કારણ કે આ સંસ્થાઓ ગરીબ મુસ્લિમ બાળકોને શિક્ષણથી વંચિત કરી રહી છે. અમે મદરેસાઓને બદલે સામાન્ય શાળાઓમાં બાળકોનો પ્રવેશ કરવાની ભલામણ કરી છે.
