નવી દિલ્હી, તા.૨૨
વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચે ૨૦૨૦થી ચાલી રહેલાં વિવાદને ખતમ કરવા માટે સોમવારે (૨૧ ઓક્ટોબર) બંને દેશ વચ્ચે સંમતિ બની ગઈ છે. ભારતના એલાન બાદ મંગળવારે ચીને આ સમાધાનની વાત પર મહોર લગાવી છે.
ચીને કહ્યું કે, તે પૂર્વી લદ્દાખમાં બે સેનાઓ વચ્ચે ચાલી રહેલાં સંઘર્ષને ખતમ કરવા માટે ભારત સાથે એક સમાધાન પર પહોંચ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું, હાલ ચીન અને ભારત, સીમા સાથે સંબંધિત મુદ્દા પર વ્યૂહનીતિ માધ્યમથી સંપર્કમાં છીએ. હવે બંને પક્ષ પ્રાસંગિક મામલે એક સમાધાન પર પહોંચી ગયા છે, જેની ચીન પ્રશંસા કરે છે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે સીમા પર પેટ્રોલિંગ કરાર બાદ કહ્યું કે, ચીન પર વિશ્વાસ કરવામાં હજુ સમય લાગશે. વાસ્તવિક નિયંત્રિણ રેખા પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો એક લાંબી પ્રક્રિયા હશે, જેનાથી એપ્રિલ ૨૦૨૦ની સ્થિતિ પર પહોંચી શકાય. આ પ્રક્રિયા તબક્કાવાર થશે. જેમાં દરેક તબક્કાનો ઉદ્દેશ્ય તણાવ ઓછો કરવો હશે.’
લેક પર બનાવવામાં આવેલા બફર ઝોનનો ઉલ્લેખ કરતાં જનરલ દ્વિવેદીએ આ વાત પર ભાર મૂક્યો કે, આપસી સમજ દ્વારા બંને દેશો વચ્ચે વિશ્વાસ ફરીથી કાયમ કરી શકાશે. અમે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કેવી રીતે થશે? વિશ્વાસ ત્યારે જ પુનઃસ્થાપિત થઈ શકશે જ્યારે એક-બીજાને મનાવી શકીશું અને એક-બીજાને વિશ્વાસ અપાવવો પડશે કે, અમે બનાવવામાં આવેલા બફર ઝોનમાં ઘુસણખોરી નથી કરી રહ્યાં.
આ પહેલાં વિદેશ મંત્રાલયે સોમવારે (૨૧ ઓક્ટોબર) જાહેરાત કરી હતી કે, ભારત-ચીન સીમા ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ વ્યવસ્થાના સંબંધમાં એક કરાર કરવામાં આવ્યો છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાના કઝાન યાત્રા પહેલાં કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી ૨૨ ઓક્ટોબરથી ૨૪ ઓક્ટોબર સુધી યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલનમાં જઈ રહ્યાં છે, જેનો ચીન પણ ભાગ છે.
નોંધનીય છે કે, જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. સોમવારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, આ કરાર છેલ્લાં ઘણાં અઠવાડિયાથી રાજકીય અને સૈન્ય બંને સ્તર પર ચીન સાથે વ્યાપક ચર્ચાનું પરિણામ છે. જૂન ૨૦૨૦માં થયેલી હિંસક અથડામણમાં બંને પક્ષને નુકસાન પહોંચ્યું હતું. આ કરાર ભારત અને ચીનના સંબંધોને સ્થિર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, કારણકે બંને દેશ સીમા વિવાદને ખતમ કરવા ઈચ્છે છે.’
