સુરત, તા.૨૨
ખંડણીના ઈરાદાથી આરટીઆઇ કરી લોકોના ઘર ડિમોલેશન કરાવનાર આરોપીના ઘરે પોલીસ આરોપી સાથે પહોંચી હતી. પોલીસે આરોપીના ઘરે સર્ચ કરતા આરટીઆઇ અરજી મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ આ પ્રકરણમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં એસએમસીના અધિકારીઓ પણ સામેલ છે કે નહીં તે અંગેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં માથાભારે છાપ ધરાવનાર શખસો લોકોના ઘર અને બિલ્ડરના પ્રોજેક્ટના બાંધકામને લઈ આરટીઆઇ કરતા હતા અને જાે ગેરકાયદેસર લાગે તો તેને અધિકારીઓ પાસેથી તોડાવી પાડવાની ધમકી આપી ખંડણીની માગણી કરતા હતા. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીની લાલગેટ પોલીસે ધરપકડ કરી આ જ વિસ્તારમાં ફેરવી તેના ઘર સુધી લઈ ગઈ હતી. ઘરની અંદર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી ત્યાંથી વધુ અરજીઓ મેળવી હતી. લાલગેટ પોલીસે ગેરકાયદેસર બાંધકામના નામે બિલ્ડર્સ પાસેથી આરટીઆઇ કરી લાખો રૂપિયાની ખંડણી માગનાર વધુ બે આરોપીની ધરપકડ પોલીસે કરી છે. સુરત કતારગામ દરવાજાના વારસી ટેકરાના રહેવાસી એજાઝ અહમદ મુસ્તાક શેખે ત્રણ વર્ષ પહેલા રામપુરા વિસ્તારમાં બાંધકામનું કામ શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં અમુક ઊંચાઈ સુધી બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી. આરોપીઓએ કામ શરૂ કરતા પહેલા બિલ્ડરનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, જાે તેમને વધુ ઊંચાઈએ બાંધકામ કરવું છે તો તેઓએ રૂપિયા આપવા પડશે, નહીં તો તેઓ આરટીઆઇ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને અરજી કરશે અને બાંધકામ અટકાવશે અથવા તેને તોડી પાડશે. આ ડરથી ફરિયાદીએ આરોપીને એક ફ્લેટ આપવાનો ર્નિણય કર્યો, જેની કિંમત ૨૦ લાખ રૂપિયા હતી. ફરિયાદીએ અગાઉ ૫ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. આ પછી બિલ્ડરને ત્રણ માળથી વધુ બાંધકામ કરવાની પરવાનગી મળી ન હતી, પરંતુ આરોપીઓએ વારંવાર પૈસાની માગણી કરી હતી. ફરિયાદીએ પ્રથમ ચેક અને રોકડમાં કુલ ૧૫ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં, માગ ચાલુ રહી અને ધમકી આપીને, બંને આરોપી ફરિયાદીની ઓફિસમાં આવ્યા અને ૧ લાખ રૂપિયા લઈ ગયા. આ સંબંધમાં ફરિયાદ નોંધાયા બાદ લાલગેટ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી અને તેમના કબ્જામાંથી ૧ લાખ રૂપિયા રોકડ, મોબાઈલ ફોન અને એક્ટિવા બાઇક જપ્ત કરી હતી. આ પ્રકરણમાં અગાઉ હુસેન મોહમદ હદીશ મન્સૂરી અને જુનેદ અંસારી ઉર્ફે રેહાનની ધરપકડ કરવામાં આવી હતી .ત્યારબાદ મોહમદ ઝુનેદ અકબર અંસારી અને મોહમદ આમીર હસીફખાનની ધરપકડ કરવામા આવી છે. આ બન્ને આરોપીના ઘરે પોલીસે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
આ સમગ્ર મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, આજે આરોપીઓને તેના ઘરે લાવીને પંચનામાં કરી રહ્યા છે. લોકો ભયભીત ન થાય આ માટે અમે અપીલ પણ કરી રહ્યા છીએ. જાે આવા પ્રકારની કોઈપણ ફરિયાદ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને કોઈપણ ધમકી કે ખંડણી માગે તો તેને રૂપિયા આપવાની જગ્યાએ પોલીસનો સંપર્ક કરે. આ માટે આજે આરોપીઓને લઈને તેમના વિસ્તારમાં અમે આવ્યા હતા.
