ગાંધીનગર, તા.૨૩
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હાલ ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખેડૂતોને આજીવિકાનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને દેવાના બોજ તળે દબાયા છે. ત્યારે હવે રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે ૧૪૧૯.૬૨ કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના બજેટમાંથી ૩૬૨ કરોડની સહાય આપવામાં આવશે.
ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ઓગસ્ટમાં વરસેલા વરસાદના કારણે જે ખેડૂતોનો મુખ્ય પાક જેવા કે ડાંગર, સોયાબીન, મગફળી જેવા પાક બગડી જતાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો, તેવા ખેડૂતો માટે સહાય ૧૪૧૯.૬૨ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના ખેડૂતોનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ ૨૨ હજાર રૂપિયાની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ ૧૧ હજારની સહાય આપવામાં આવશે.
કૃષિમંત્રીના જણાવ્યા અનુસાર, ૬ હજારથી વધુ ગામોના આશરે ૭લાખ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળી શકશે. નોંધનીય છે કે, ૮ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેમાં નિયમો હેઠળ સહાય ચુકવવામાં આવશે. આ સહાય પેકેજ ફક્ત ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદમાં થયેલાં નુકસાન માટે જ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાછોતરા વરસાદને લઈને થયેલાં પાક નુકસાન વિશે પણ સર્વે કરવામાં આવશે. તેમજ તે અંગે પણ ખેડૂતોને સહાય માટે રાજય સરકાર વિચાર કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર, રાહત મેળવવા માટે ખેડૂતોએ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ખેડૂતની સાતબાર, બેન્ક એકાઉન્ટની વિગત, અને આધાર નંબર સાથે ખેડૂતોએ અરજી કરવાની રહેશે.