સુરત, તા.૨૪
સુરતમાં સાયબર ફ્રોડનાં નાણાં ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી પરત દુબઈ, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં મોકલવાના હવાલા નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કર્યો હતો. આરોપી પિતા-પુત્ર અને તેની ટોળકીએ માત્ર એક જ વર્ષમાં ૧૬ લાખ રૂપિયાના સિમકાર્ડ વિદેશમાં મોકલ્યા છે, જેમાં મોટાભાગના એરટેલ કંપનીના સિમકાર્ડ છે. જેના થકી સાયબર ફ્રોડના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. આટલી મોટી સંખ્યામાં સિમ કઈ રીતે આ લોકો પાસે ગયા અને તેની શંકાસ્પદ ગતિવિધિ પર કંપનીએ શું કર્યું? આ માટે એરટેલ કંપનીના મુખ્ય અધિકારીઓની સુરત એસઓજી પૂછપરછ હાથ ધરશે.
આ ટોળકી બેન્ક એકાઉન્ટ પૂરા પાડવાની સાથે સુરતથી ભારતીય સિમકાર્ડ પણ મોકલતી હતી. ઝાંપાબજારના મુર્તુઝા પાસેથી ૧૫૦૦ રૂપિયામાં સિમકાર્ડ ખરીદી તેને ૨ હજાર રૂપિયામાં કુરિયર અથવા કેરિયર મારફતે દુબઇ મોકલાતા હતા. દર મહિને આ રીતે તેઓ ૨ લાખના સિમકાર્ડ દુબઇ મોકલતા હતા. પોલીસને અહીંથી ૪૯૭ સિમકાર્ડ મળ્યાં હતાં, તે તમામ એરટેલ કંપનીના હોવાથી તેનો એજન્ટ પણ શંકાના દાયરામાં છે. જાેકે, સિમકાર્ડ પૂરા પાડનાર મુર્તુઝા અને બસ્સામ મકબુલ પણ દુબઇ ભાગી છૂટ્યાની આશંકા છે. આ લોકોને સિમકાર્ડ પ્રોવાઇડ કરનાર બે લોકોની અટકાયત હાલ એસઓજીએ કરી છે. એરટેલ કંપનીના સિમકાર્ડ આ લોકો એટલા માટે વાપરતા હતા કારણ કે, આ ગ્લોબલ કંપની છે અને સહેલાઈથી રોમિંગ થઈ જાય છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હવાલા કૌભાંડમાં સૌપ્રથમ મકબુલ, કાસીફ અને માઝની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા દસ્તાવેજ અને વ્હોટ્સએપ ચેટ પરની તપાસ કરતા પોલીસ પણ ચોકી ઊઠી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ રેકેટમાં રૂપિયા ૯૯ કરોડથી પણ વધુનાં ટ્રાન્ઝેક્શનનો શોધી કાઢ્યાં છે. આરોપીઓ પાસેથી ૧૮૦ બેંક એકાઉન્ટ મળી આવ્યાં છે જેમાંથી ૧૪૬ બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યાં છે. હજી ૩૪ એકાઉન્ટની સીઝ કરવાની બાકી છે. આ હવાલા કૌભાંડમાં ત્રણેય આરોપીઓ બાદ ગુજસીટોકના આરોપી આરીફ મીંડીના પુત્ર ઉહેદ શેખની પણ ધરપકડ કરાઈ હતી.
આરોપીઓએ દુબઇ, નવસારી, સુરતમાં પ્રોપર્ટી વસાવી છે. મકબુલ અને તેની ટોળકીને મહેશ દેસાઇ દરેક હવાલા માટે ૧૦ ટકા કમિશન આપતો હતો. મકબુલ અને તેના બે પુત્રો આ રીતે કરોડોની કમાણી કરી ચૂક્યા છે. મકબુલની કરોડોની સંપત્તિ મળી આવી હતી. જેમાં સિંધીવાડના ઘર ઉપરાંત ચોકબજારમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનો ઇન્ડસ્ટ્રિયલ શેડ, નવસારીના ડાભેલમાં વૈભવી ફાર્મહાઉસ ઉપરાંત દુબઇના પોશ વિસ્તાર બરસામાં મોંઘો ફલેટ પણ વસાવ્યો હતો. દુબઇ આવવા જવામાં સરળતા રહે તે માટે ત્યાં ડોક્ટર અબ્દુલ જનરલ ટ્રેડિંગ કું. એલ.એલ.સી. નામે કંપની પણ ખોલી હતી. વિદેશની સંપત્તિ તથા હવાલા નેટવર્ક માટે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે એસઓજીએ સુરત જિલ્લા કલેક્ટર અને નવસારી કલેક્ટર પાસેથી આરોપીઓના પ્રોપર્ટી અંગેની પણ માહિતી મંગાવી છે.
આરોપીઓ જે બેન્ક એકાઉન્ટ જરૂરિયાતમંદ, શ્રમિક અને દારૂડિયાઓનાં નામે ખોલાવતાં હતાં. આ જ બેન્ક એકાઉન્ટથી સાયબર ફ્રોડની ઘટનામાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું. આવા ત્રણ કેસો હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ધ્યાને આવ્યા છે, જેમાં તેલંગાણા, મુંબઈ સેન્ટ્રલ અને વડોદરામાં આ જ બેન્ક એકાઉન્ટ મામલે એફઆઇઆર પણ કરવામાં આવી છે. વડોદરામાં સવા કરોડ રૂપિયાની ડિજિટલ અરેસ્ટની ઘટનામાં પણ આરોપીઓ દ્વારા જે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યાં હતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.