એફ.એસ.એલ. રિપોર્ટમાં મુદ્દામાલ હથિયાર ઉપર લોહીની હાજરી મળી નથી અને આ હથિયાર ઉપર લોહીની જાળવણી માટે પ્રીઝર્વેટીવ રસાયણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો : બચાવ પક્ષ
(સિટી ટુડે)સુરત, તા.૨૬
હત્યાના ગુનામાં પોલીસે જપ્ત કરેલા ચપ્પૂ ઉપર લોહીના નિશાન પુરવાર ન થતા તેનો લાભ આરોપીઓને મળ્યો હતો. કોરોનાકાળ દરમિયાન કર્ફયુ વખતે શહેરના સૈયદપુરા વિસ્તારમાં યુવકની મોડી રાત્રે થયેલી હત્યાના ગુનામાં પોલીસે ત્રણ આરોપીને પકડ્યા હતા. પણ તેમના વિરુદ્ધનો ગુનો કોર્ટમાં પુરવાર થયો ન હતો.
કોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત જુલાઈ – ૨૦૨૦ માં કોરોના મહામારીના લીધે શહેરમાં કર્ફયુ લદાયેલો હતો. તે વખતે રાત્રીના સાડા અગિયાર વાગ્યામાં અરસામાં અજય ઉર્ફે લાલુ સ્વાઈ (ઉં.વ. ૨૭, રહે.નવીચાલ, સૈયદપુરા) નામના યુવાનની ચપ્પૂના ઘા ઝીંકી હત્યા થઈ હતી. જેમાં લાલગેટ પોલીસે કતારગામ વિસ્તારમાં રહેતા પ્રકાશ ડોડીયા (ઉં.વ. ૨૩), ભાવેશ પાટીલ (ઉં.વ. ૨૯) અને સંજય વાઢેળ (ઉં.વ. ૨૫) ની ધરપકડ કરી અત્રેની કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જાેગડિયા, યાહ્યા શેખ અને મનિશ સોસાએ દલીલો કરી હતી. આ કેસની ટ્રાઈલ ચાર વર્ષ ચાલી હતી. વધુમાં બચાવ પક્ષે રજુઆત કરી હતી કે, આ કેસમાં ફરિયાદી પક્ષે કોઈ સમર્થનકારક પુરાવો કોર્ટમાં રજૂ કર્યો નથી. એફ.એસ.એલ. રિપોર્ટમાં મુદ્દામાલ હથિયાર ઉપર લોહીની હાજરી મળી નથી. ઉપરાંત આ હથિયાર ઉપર લોહીની જાળવણી માટે પ્રીઝર્વેટીવ રસાયણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાનું ખુદ તપાસ અમલદાર ઉલટ તપાસમાં કબૂલ કરે છે. જે ધ્યાને લઈ બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.