સુરત, તા.૨૭
દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈને આ વર્ષે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જાેવા મળી રહી છે. લોકો ૧૨-૧૨ કલાકથી અહીં આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જાેઈ રહ્યા છે, ત્યારે આ ભારે ભીડમાં મહિલાઓ અને બાળકોને પિસાવાનો વારો આવ્યો હતો. જાેકે, મહિલાઓ અને બાળકોને રેલવે પોલીસે અલગથી ટ્રેન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ મહિલાઓ અને બાળકોને ચારથી પાંચ કલાક જેટલો સમય હેરાન પરેશાન થવું પડ્યું હતું. રેલવે તંત્રના અણઘડ આયોજનને લઈને લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશન પરના જનસેલાબને જાેઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને મુસાફરોને લાઈન બંધ ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવાળીએ ટ્રેનમાં બેસવા માટે થયેલી ભાગદોડમાં એક યુવક મોતને ભેટ્યો હતો. દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતિયો વતન તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સ્કૂલોમાં વેકેશન પડતા પરપ્રાંતિયોએ ટ્રેન મારફતે વતન જવાનું શરૂ કરી દીધું છે.
સુરત રેલવે સ્ટેશન ખાતે ૩ પ્લેટફોર્મ જ કાર્યરત છે, જ્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે ૬ પ્લેટફોર્મ કાર્યરત છે. સુરત રેલવે સ્ટેશન પર રિ-ડેવલોપમેન્ટની કામગીરી થતી હોવાથી દિવાળીની મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવી રહી છે.ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની હજારોની સંખ્યામાં ભીડ જાેવા મળી રહી છે. વતન જવા માટે મુસાફરોની બે કિમિથી વધુ લાંબી લાઈનો થઈ ગઈ હતી, જેથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જાેવા મળ્યો હતો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસને પણ થોડો હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.
એક સાથે હજારોની સંખ્યામાં મુસાફરો ઉધના રેલવે સ્ટેશન પહોંચી જતા સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. યુપી અને બિહારના મુસાફરો ટ્રેન મારફતે પોતાના વતન જવા માટે ઉમટી પડ્યા હતા. આ મુસાફરોમાં મહિલાઓ અને બાળકોની હાલત કફોડી થઈ ગઈ હતી. ઉધના રેલવે સ્ટેશન બહારથી જ લાઈન હતી જે બે કિલોમીટર જેટલી લાંબી હતી. આ બે કિલોમીટર કાપતા કેટલાક લોકોને ૧૨ કલાકનો સમય પણ લાગ્યો હતો. ભારે ભીડના કારણે પરિવાર સાથે આવેલા મુસાફરોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. લાઈનમાં ઊભા રહ્યા બાદ ચારથી પાંચ કલાકે તેમને ટ્રેનમાં બેસવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. નાના બાળકો હોવાથી પરિવારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. પહેલાં બાળકો અને મહિલાઓને ટ્રેન સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
બાળકો સાથે પહોંચેલા પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો કે મહિલાઓ અને બાળકો માટે અલગથી વ્યવસ્થા પહેલાથી જ કરી દેવી જાેઈતી હતી. એક પાંચ મહિનાના બાળક સાથે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે, ખૂબ જ તકલીફનો સામનો કરીને હું અહીં સુધી પહોંચી છું. ૧૨ કલાકનો સમય લાગી ગયો. હવે વતન છપરા પહોંચતા પણ ૨૦થી ૨૨ કલાક જેટલો સમય લાગશે. ઉધના રેલવે સ્ટેશન પર ભીડને ધ્યાનમાં રાખી મેડિકલ ટીમને ૨૪ કલાક ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારે ભીડને જાેતા રેલવે તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે ઉધના સ્ટેશન પર રેલવે દ્વારા મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ખાસ તહેનાત કરવામાં આવશે. કારણ કે, ભારે ભીડમાં જાે કોઈ મુસાફરને તબીબી સહાયની જરૂર પડે તો તેને તાત્કાલિક સારવાર મળી શકે છે. અથવા નજીકની હોસ્પિટલમાં મોકલી શકાય છે.