સુરત, તા.૨૯
સુરત શહેરની અંદર ખુબ મોટા અને જાણીતા જ્વેલેરીના વેપારીઓ છે. ગુરૂપુષ્ય નક્ષત્ર અને ધનતેરસ વખતે ખુબ સારા પ્રમાણમાં દાગીનાનું વેચાણ થતું હોય છે, ત્યારે સુરતમાં લોકો લગ્નસરાને ધ્યાનમાં રાખીને શુભ મુહૂર્તમાં આભૂષણો ખરીદી લેતા હોય છે. આ વખતે પણ એ જ પ્રકારે તેજીનો માહોલ સુરત શહેરમાં જોવા મળ્યો હતો. જોકે, જીએસટી વિભાગના દરોડા પડતા સામે દિવાળીએ દોડધામ મચી છે.
સુરતમાં આઠથી વધુ જ્વેલર્સને ત્યાં જીએસટી વિભાગના દરોડાના સમાચાર સમગ્ર શહેરમાં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જેના કારણે મોટા મોટા જ્વેલેરી શોરૂમના માલિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના કલામંદિર જ્વેલર્સ, બિશન દયાળ જ્વેલર્સ, પચ્ચીગર જ્વેલર્સ, દાગીના જ્વેલર્સ, ગહેના જ્વેલર્સ, નાકરાણી જ્વેલર્સ અને મહાવીર જ્વેલર્સ સહિત આઠથી વધુ જ્વેલર્સના ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. હાલ અધિકારીઓની ટીમ દ્વારા તમામ સ્ટાફ મેમ્બર્સ તેમજ મુકાયેલા તમામ દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ધનતેરસે મોટા પ્રમાણમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે, તેવા સમયે જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટીના દરોડાને પગલે જ્વેલર્સમાં ભારે હલચલ જોવા મળી છે. સ્ટેટ જીએસટી સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા પ્રમાણમાં જીએસટી ચોરી મળી આવવાની શક્યતા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દસ્તાવેજોની તપાસણી શરૂ કરી દેવામાં આવી છે. જ્વેલર્સને ત્યાંથી કરોડો રૂપિયાના બેનામી હિસાબ મળી આવે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
