સુરત, તા.૩૦
છેલ્લાં ત્રણ વર્ષથી સુરતના હીરા ઉદ્યોગ પર ગ્રહણ લાગ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. હીરાનો ચળકાટ દિવસે ને દિવસે ઓછો થઈ રહ્યો છે. સુરતમાં નાની-મોટી ડાયમંડ ફેક્ટરીઓમાં પણ છેલ્લાં ત્રણ વર્ષથી મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. સૌપ્રથમ વખત અમેરિકા અને ચીન વચ્ચે થયેલા વેપારયુદ્ધની નીતિને કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગને ખૂબ જ સહન કરવાનો વારો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્થળ પર ઊભી થયેલી પરિસ્થિતિને કારણે સુરતની જાણીતી પેઢી મિશાલ એનવી જે બેલ્જિયમમાં છેલ્લાં ઘણાં વર્ષોથી કાર્યરત હતી તેણે નાદારી નોંધાવી દીધી છે.
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ટ્રેડિંગ કરવા માટે વિદેશ જતા હોય છે. ખાસ કરીને બેલ્જિયમ જેવાં શહેરોમાં જઇને નાની કંપનીના સંચાલકો દ્વારા ફાઈનાન્સ પર રૂપિયા લઇને ટ્રેડિંગ કરતા હોય છે. ત્યાર બાદ કટિંગ પોલિસ કરીને ફાઈનાન્સ કંપનીને પરત રૂપિયા કરી દેવામાં આવતા હોય છે. ફાઈનાન્સ બિઝનેસ સાથે સંકળાયેલી મૂળ સૌરાષ્ટ્રની અને સુરતમાં વેપાર કરતી કંપનીએ નાદારી જાહેર કરતાં હીરા ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ૩૦ વર્ષથી ફાઈનાન્સ કરતી પેઢી દ્વારા બેંક સામે નાદારી જાહેર કરતાં નાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે વિદેશમાં અને ખાસ કરીને બેલ્જિયમમાં આ કંપની પાસેથી નાણાં લીધા બાદ ટ્રેડિંગ કરનારાઓની સંખ્યા ખૂબ મોટી હતી. ૧૪૨ કરોડની નાદારી નોંધાવતાં હીરા ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યો છે. ફાઈનાન્સ અને ટ્રેડિંગ કરતી પેઢી નબળી પડતાં હીરા ઉદ્યોગમાં અનેક નવાં વમળો ઊભાં થયાં છે.
ખાસ કરીને સૌથી પહેલા સુરતમાં હીરા ઉદ્યોગની મંદીની શરૂઆત અમેરિકા અને ચીન વચ્ચે થયેલા વ્યાપરિક ર્નિણયોને કારણે થઈ હતી. હીરા ઉદ્યોગ માટે સૌથી મોટું અમેરિકા અને ચીન માર્કેટ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને આ બે દેશના વેપારની સ્થિતિ પર હીરા ઉદ્યોગની મજબૂતી ટકેલી હોય છે. આ બંને દેશોમાં છેલ્લાં ત્રણ વર્ષથી મંદી જેવો માહોલ ચાલી રહ્યો છે. બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધના કારણે એની સીધી અસર હીરા ઉદ્યોગ પર દેખાઈ હતી તેમજ ઇઝરાયલ અને પેલિસ્ટાઇન વચ્ચે હજી જે પ્રકારે યુદ્ધ આગળ વધી રહ્યું છે એમાં ઇરાન સહિતના અન્ય દેશો પણ આવી રહ્યા છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં વેપાર માટેનો અને ખાસ કરીને હીરા ઉદ્યોગનો માહોલ બની શક્યો નથી. યુદ્ધ જેવી સ્થિતિને કારણે સીધી અસર હીરા ઉદ્યોગ પર થઈ રહી છે. સુરતની જાણીતી ફાઈનાન્સ અને ટ્રેડિંગ કરતી પેઢીએ નાદારી નોંધાવતાં હીરા ઉદ્યોગમાં પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ છે.