(સિટી ટુડે) સુરત, તા.૩૦
કટોકટીની સ્થિતિ ન હોય તો જામીન ના મળે, એવું તારણ આપીને સેશન્સ કોર્ટે નાણાંની વ્યવસ્થા કરવા માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માંગનાર હત્યાના આરોપીની અરજી ફગાવી દીધી છે.
કોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તા.૨૮-૭-૨૦૨૧ ના રોજ ડભોલી ચાર રસ્તા પાસે સંજય વાણીયા (રહે. ભગવાન નગર, કતારગામ) નામના યુવાનની હત્યા થઈ હતી. જે ગુનામાં ત્રણ વર્ષથી જેલવાસ ભોગવતાં આરોપી પ્રશાંત ચંદ્રકાન્ત રાજપૂત (ઉ.વ. ૨૫, રહે. પ્રભુનગર, કતારગામ) એ ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ હોય નાણાંની સગવડ કરવા માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. જેમાં સરકાર તરફે ડીજીપી એન. એલ. સુખડવાળા તથા મૂળ ફરિયાદી તરફે એડવોકેટ અશ્વિન જાેગડિયા અને કાજલ વાઢેળએ હાજર રહી વિરોધ કર્યો હતો. તેમણે રજુઆત કરી હતી કે, જૂન – ૨૦૨૨ મા આરોપીને લગ્ન માટે અઠવાડીયાના જામીન મળ્યા હતા પરંતુ જામીનની મુદ્દત પૂર્ણ થયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલ છે. નાણાંની વ્યવસ્થા કરવાનું જામીન માટે યોગ્ય ગ્રાઉન્ડ નથી. આરોપીની હાજરી જરૂરી હોવાનું બતાવવું પડે, પણ આરોપી પક્ષે કોઈ કટોકટીની પરિસ્થિતિ હોવાનું દર્શાવેલ નથી. જે સંજાેગોમાં કોર્ટે આરોપીને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.
