સુરત, તા.૦૧
દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. દિવાળી પર્વને લઈ મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરે છે, ત્યારે ફટાકડા ફોડતી સમયે આગ લાગવાની ઘટનાઓ પણ સુરતમાં સામે આવી છે. જેથી ફાયર વિભાગ અને ઇમર્જન્સીને પહોંચી વળવા ૧૦૮ સતત દોડતું રહ્યું હતું, ત્યારે સુરતમાં ૧૦૮ ઇમર્જન્સી કોલનું એનાલિસિસ કરતા દિવાળીના સમયને લઈ ૯.૭૯ ટકા કેસમાં વધારો થયો છે. સુરતમાં દિવાળીની રાત્રે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
સુરતની સિવિલ હોસ્પિટલમાં બે અને અન્ય હોસ્પિટલમાં છ લોકો મળી આઠ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પહેલાં કેસમાં સુરતના મહિધરપુરા લાલદરવાજા વિસ્તારમાં આવેલા શ્રી દર્શન પેલેસમાં રહેતો ૨૧ વર્ષીય આદિત્ય પ્રબીબ કુમાર ગઈ રાત્રે ઘર પાસે ફટાકડા ફોડતો હતો, ત્યારે તે દાઝી ગયો હતો. બંને પગમાં દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજા કેસમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સોમનાથનગરમાં રહેતો ૨૦ વર્ષીય શિવચંદ દિલીપ સહાની ગઈકાલે રાત્રે ઘર પાસે ફટાકડા ફોડતો હતો, ત્યારે અચાનક ડાબા હાથમાં દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્રીજા કેસમાં સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલા આહિર ફળિયામાં રહેતો ૧૪ વર્ષીય મોહિત સંદીપ દેવીપુજક ફટાકડા ફોડતો હતો, ત્યારે મોઢાના ભાગે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ચોથા કેસમાં સુરતના ગોડાદરા ખાતે આવેલા પટેલનગરમાં રહેતા ૧૮ વર્ષીય અજિત વિરેન્દ્ર પ્રસાદ ગઈ રાત્રે ફટાકડા ફોડતી વખતે બંને આંખ અને મોઢાના ભાગે દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પાંચમા કેસમાં ગોડાદરા વિસ્તારમાં આવેલા પ્રભાતમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી હિના દિનેશભાઈ આચાર્ય ઘર પાસે ફટાકડા ફોડી રહી હતી, ત્યારે ડાબી આંખમાં ફટાકડાનો તણખો લાગી ગયો હતો. જેથી તે ઇજાગ્રસ્ત થઈ હતી ઘટનાને પગલે તેને સારવાર અર્થે સમિનર હોસ્પિટલ ખસેડાય છે.
છઠ્ઠા કેસમાં સુરતના અમરોલી કોસાડ અવાજ ખાતે રહેતો ૨૭ વર્ષે જીતુ રાણા ગઈકાલે ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો, ત્યારે આંખના ભાગે દાઝી જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો છે.
સાતમા કેસમાં સુરતમાં પાલ ગૌરવ પથ રોડ પર આવેલા સુમન મુન્દ્રા આવાસમાં રહેતો ૧૫ વર્ષીય આલોક રવિભાઈ ભોઈ ઘર પાસે ફટાકડા ફોડતો હતો, ત્યારે દાઝી ગયો હતો જેથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આલોક દાજી જતા પરિવારના લોકોએ તાત્કાલિક ૧૦૮ને કોલ કર્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક જ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
આઠમાં કેસમાં ૮ વર્ષીય રાજેન્દ્ર કુમાર પોતાના મિત્રો સાથે ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ સળગતો ફટાકડો તેના ઉપર આવ્યો હતો જેથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાળક દાઝી જતા પરિવાર દ્વારા ૧૦૮માં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે.
નવમાં કેસમાં ૭ વર્ષીય શનિ નામનો બાળક મિત્રો સાથે ફટાકડા લેવા ગયો હતો. જે લઈને આવીને ઘર બહાર ફટાકડા ફોડતો હતો. ત્યારે અચાનક દાઝી ગયો હતો જેથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.