મુંબઈ, તા.૭
શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેતાને ફોન કરીને ધમકી આપવામાં આવી છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાન ઘણા દિવસોથી ગેંગસ્ટર્સના નિશાના પર છે. સલમાનના નામે એક પછી એક ધમકીઓ આવી રહી છે. અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ આ કેસની ઝડપથી તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં ભાઈજાનને ધમકી આપનાર અને તેના ઘરની બહાર હુમલો કરનારા ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન બ્રેકિંગ ન્યૂઝ એ છે કે સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાન પર પણ મુશ્કેલીના વાદળો ઘેરાઈ રહ્યા છે.
સામે આવી રહેલી માહિતી મુજબ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો છે અને આ દરમિયાન ખંડણીની માંગણી પણ કરવામાં આવી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ધમકીભર્યો કોલ રાયપુરથી આવ્યો છે અને ફૈઝાન ખાન નામના વ્યક્તિએ અભિનેતાને ધમકી આપી છે. ફૈઝાન ખાને કિંગ ખાન પાસે ખંડણી માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાયપુરના ફૈઝાન નામના વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો હતો. આ ફોન કોલ શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝની ઓફિસમાં આવ્યો હતો, જેના પછી હોબાળો મચી ગયો હતો. તરત જ, કિંગ ખાનને જાનથી મારી નાખવાની ધમકીભર્યા ફોન મળવા અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.
ત્યારબાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. મુંબઈ પોલીસની ટીમ છત્તીસગઢ રાયપુર પહોંચી ગઈ છે. ખરેખર, જ્યારે પોલીસે કોલ ટ્રેસ કર્યો તો તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું. છેલ્લું લોકેશન બજારનું છે. પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સતત લોકોની પૂછપરછ કરી રહી છે. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. સાયબર સેલની ટીમ પણ કામ કરી રહી છે. મોબાઈલ નંબર નકલી દસ્તાવેજાેથી લેવામાં આવ્યો છે કે કેમ તે જાણવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે? હાલમાં આ મામલે મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓની બેઠક ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ટૂંક સમયમાં આ સમગ્ર મામલાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ૯૦ના દાયકામાં પણ શાહરૂખ ખાનને મુંબઈના અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હતી. આ એ સમય હતો જ્યારે મુંબઈમાં અંડરવર્લ્ડ ખૂબ જ પાવરફુલ હતું. તે સમયે મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીને માહિતી મળી હતી કે શાહરૂખના જીવને જાેખમ છે અને એક મોટો ગેંગસ્ટર તેને ગોળી મારવા માંગે છે. આ પછી શાહરૂખ ખાનને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. થોડા સમય બાદ શાહરૂખને ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. ફિલ્મ ક્રિટિક અને પત્રકાર અનુપમા ચોપરાના પુસ્તક ‘કિંગ ઓફ બોલિવૂડઃ શાહરૂખ ખાન એન્ડ ધ સેડક્ટિવ વર્લ્ડ ઓફ ઈન્ડિયન સિનેમા’માં પણ આનો ઉલ્લેખ છે. શાહરૂખે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે ખૂબ જ ડરામણું હતું અને એવું લાગ્યું કે હું ઘરમાં ફસાઈ ગયો છું.