સુરત, તા.૦૮
સુરતના સિટી લાઈટ વિસ્તારનાં જિમ એન્ડ સ્પામાં ફાટી નીકળેલી આગમાં બે સિક્કિમની યુવતીનો ભોગ લેવાયો હતો. જેનાં માટે મહાનગરપાલિકાનાં અઠવા ઝોન અધિકારીઓ અને ફાયર વિભાગનાં અધિકારીની બેદરકારી પણ સામે આવી છે. જ્યાં આ ઘટના બની તે શિવ પૂજા કોમ્પલેક્સના ટેરેસ ઉપર ટેમ્પેરી સ્ટ્રક્ચર જાેવા મળે છે. પતરાના શેડથી બે જગ્યાએ ઓફિસ ઊભી કરવામાં આવી છે. જેમાં એસી સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ ટેમ્પેરી સ્ટ્રક્ચર કાયદેસર છે કે ગેર કાયદેસર આ અંગે અઠવા ઝોનના અધિકારીઓને જાણકારી જ નથી.
ફાયર વિભાગ દ્વારા નોટિસ-નોટિસનો ખેલ ખેલવામાં આવ્યો. પરંતુ જિમ એન્ડ સ્પા સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે અઠવા ઝોન ઓફિસનાં અધિકારીઓ દ્વારા પણ ચેકિંગ કરવા ઉપરાંત ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહી કરવામાં નહીં આવતાં બે નિર્દોષ યુવતીનાં મોત નીપજ્યાં હતાં. સિટી લાઈટ વિસ્તારની આગની ઘટના બાદ ફરી ચેકિંગ કરવાની અને સીલ મારવાની કવાયત હાથ ધરવામાં આવશે. સિટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પલેક્ષમાં બુધવારે સાંજે સન સિટી જિમ (જિમ ૧૧) અને અમૃતિયા સ્પામાં લાગેલી આગે બે યુવતીનો ભાગ લીધો હતો.
સુરત અઠવા ઝોનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓની લાલિયાવાડીના કારણે બંને યુવતીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોમ્પ્લેક્સમાં એક જ માળે પાર્ટીશન દ્વારા અલાયદો ફ્લોર બનાવી જિમની સાથે અંદરથી અલગથી દાદર બનાવી સ્પા બનાવી દેવામાં આવ્યું હતું અને જેના માટે ગેરકાયદેસર કાચનું એલિવેશન પણ કરવામાં આવ્યું હતું. આગનો ધુમાડો બહાર ન નીકળી શકતા અને સ્પામાં અંદર જ ફેલાવો હતો. બંને યુવતીઓના સ્પામાં અંદર ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યા હતા.
આ કોમ્પલેક્સના ટેરેસ પર બે જગ્યાએ ટેમ્પેરી સ્ટ્રક્ચર ઉભું કરી ઓફિસ શરૂ કરવામાં આવી છે. આ ઓફિસ જિમની એકદમ ઉપર છે. પતરાના શેડથી આ ઓફિસ બનાવામાં આવી છે. આ કાયદેસર બાંધકામ છે કે નહિ તે અંગે અધિકારીઓને જાણ સુદ્ધા નથી. અઠવા ઝોનના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ મામલે પણ તપાસ કરવામાં આવશે.
આગ દુર્ઘટનામાં પાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ, અઠવા ઝોન અને ફાયર વિભાગ ત્રણેય જુદા જુદા મત આપી પોતાનો કક્કો ખરો કરવા મથી રહ્યા છે. બીજી બાજુએ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કડકાઈ અપનાવતા ત્રણેય વિભાગ પાસેથી ઘટના અંગેનો રિપોર્ટ માગ્યો છે. ઝોન અને વિભાગને ભૂતકાળમાં કરેલી કાર્યવાહી અને સ્થળ પર દેખાયેલી બેદરકારીનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવાની તાકીદ કરાઈ છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ, કમિશનરે તટસ્થ તપાસ, કાર્યવાહી માટે પોલીસ વિભાગ સાથે પણ સંકલન કર્યું છે.