સુરત, તા.૦૯
સીતાબીના તહેવાર નિમિત્તે સમાજની મહિલાઓને પોતાની અલનુર મેન્સન બિલ્ડીંગના બેઝમેન્ટના હોલમાં જમણવાર માટે બોલાવી તેમની જીદંગી જોખમમાં મૂકનાર દાઉદી વોહરા સમાજના અગ્રણી યુસુફ સાજાપુરવાલાની ગત મોડી રાત્રિએ મહિધરપુરા પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપી દેવામાં આવ્યા હતા. હવાની અવરજવર થતી ન હોય તેમ જ આપાતકાલીન કોઈ રસ્તો પણ બનાવ્યો ન હોય તેવા હોલમાં દાવત કરી ગૂંગળામણના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ બેભાન થઈ ગઈ હતી.
દાઉદી વ્હોરા સમાજના સીતાબીના તહેવાર નિમિતે અગ્રણી યુસુફ સાજાપુરવાલાએ ઝાંપાબજારના નુરપુુુરા ખાતે પોતાની અલનુર મેન્શન બિલ્ડીંગના બેઝમેન્ટના હોલમાં સમાજની મહિલાઓ માટે જમણવારનુ આયોજન કરતા ૪૦ જેટલી મહિલાઓ જમવા માટે એકત્રિત થઈ હતી. પરંતુ ગેરકાયદે બનેલા બેઝમેન્ટના હોલમાં હવાની અવર-જવર થતી ન હોય તેમજ આપાતકાલિન કોઈ રસ્તો પણ બનાવ્યો ન હોય ઓક્સિજનનુ પ્રમાણ ઘટી જતા ૨૦થી વધુ મહિલાઓ ગુંગડાઈને ટપોટપ બેહોશ થઈ જતા તાબડતોબ તેઓને મહિધરપુરા ટાવર રોડની બુરહાનપુર હોસ્પિ.માં ખસેડવામાં આવી હતી. મહિધરપુરા પોલીસે મહિલાઓની જીંદગી જોખમમા મુકાય તેવુ કૃત્ય આચરનાર યુસુફ સાજાપુરવાલા સામે ગુનાહિત બેદરકારી બદલ ગુનો દાખલ કર્યો હતો. નોંધનીય છે કે તમામ મહિલાઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.
ભોગબનનાર તસ્લીમના પતિ જૈનુદ્દિન તૈયબ મદારવાલાએ ફરિયાદ આપતા જણાવ્યું હતુ કે સીતાબીના તહેવાર નિમિત્તે દાઉદી વ્હોરા સમાજના યુસુફ ખોજેમ સાજાપુરવાલાએ પોતાના રહેણાંકના મકાન અલનુર મેન્શન બિલ્ડીંગના બેઝમેન્ટ હોલમાં મહિલાઓ માટે જમવાની દાવત રાખી હતી. જેથી જૈનુદ્દિન મદારવાલાની પત્ની તસ્લીમ બાનુ સહિત ૪૦ જેટલી મહિલાઓ દાવતમાં ગઈ હતી. જ્યાં જૈનુદ્દિનની પત્ની તસ્લીમબાનુ, ખદીજાબેન કોલસાવાળા,અલીફિયાબેન ખેરૂલ્લાહ,તસ્નીમબેન ચિનવાલા,યાસ્મીનબેન ચીનવાલાના, રબાબબેન રંગવાલા, શેહનાઝબેન બાલડીવાલ,સકીનાબેન લાઠીવાલા હોલમાં બેભાન થઈ ગઈ હતી. જ્યારે કેટલીક મહિલાઓ હોલની બહાર આવીને બેભાન થઈ ગઈ હતી. મહિધરપુરા પોલીસે યુસુફ સાજાપુરવાલા સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ અલ્પા વણઝારા કરી રહ્યા છે.