સુરત, તા.૦૯
નવસારી જિલ્લાના ગણદેવીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે ગોડાઉનમાં કામ કરતા કેટલાક મજૂરો ફસાઈ ગયા છે. જેમાં ત્રણનાં મોત થયાં છે. જ્યારે બે લોકો હજી આગમાં ફસાયેલા હોવાની આશંકા છે. જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે ગણદેવી, બીલીમોરા અને નવસારીમાંથી ફાયર ફાઈટરોની ટીમ દોડી છે.
આ આગ અંગે મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થયો હતો. જેમાં કેટલાક મજૂરો ફસાઇ ગયા હતા. આગની ઝપેટમાં આવતાં ત્રણ લોકો જીવતા ભૂંજાઇ ગયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો હજી આગમાં ફસાયા હોવાનું અનુમાન છે. આગની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બીલીમોરા, ગણદેવી, નવસારી અને ચીખલી જેવા વિસ્તારોમાંથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે.
આ અંગે ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં અમારો પોલીસ સ્ટાફ અને ફાયર ફાયટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અચાનક આગ લાગી હતી અને નીચે પણ કેમિકલ ઢોળાયેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. અત્યારે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલું છે. લગભગ આગ કાબૂમાં આવી ગઇ છે. અત્યારે ત્રણ ડેડબોડી બહાર કાઢી છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તો છે. જેમાં એકને વધુ ઇજાઓ પહોંચી હોવાથી વલસાડ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે લોકોને લોકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે બચાવ કામગીરી ચાલું છે. નવસારી-વિજલપુર નગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર કિશોર માંગેલાએ જણાવ્યું હતું કે, અમને ૯ઃ૨૪ વાગ્યે કોલ મળ્યો હતો. જે બાદ અમારી ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યારે આગ કાબૂમાં આવી ગઇ છે. ત્રણ લોકોની ડેડબોડી મળી છે અને ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અહીં ફાયર સેફ્ટી કોઇપણ સાધનો ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ગોડાઉનમાં એક્ઝિટનો અભાવ છે, એકસ્ટ્રા એક્ઝિટ ન હોવાથી કર્મચારીઓને ભાગવાનો મોકો ન મળતાં ગુગળાઇને મોતને ભેટ્યા છે.
આ અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગનો આ બનાવ ખુબ જ દુઃખદ છે. સવારે કેમિકલ ટ્રાન્સપોર્ટ વખતે કેમિકલના પીપોમાં કોઇ કારણોસર આગ લાગી હતી. જેની જાણ થતાં ફાયર વિભાગ તુરંત પહોંચી ગયું હતું પરંતુ કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી આવી હતી. અત્યારે આગ પર કાબૂ આવી ગયો છે પણ આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને અને ઇજાગ્રસ્તોને સહાય મળે એ અંગે હું મુખ્યમંત્રી સાથે વાત કરીશ.