સુરત,તા.૧૬
શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ‘નો ડ્રગ્સ ઈન સુરત સીટી’ સુત્ર અંતગર્ત હાથ ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન સાયણ રોડ અને સચીન કપલેથા ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જુદી જુદી કામગીરી હેઠળ બે કેસમાં કુલ રૂપિયા ૧.૫૩ કરોડની કિેમતનું મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ૫ પેડલરોની ધરપકડ કરી છે. ડ્રગ્સના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરતાં પેડલરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હાથ ધરેલી ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ગત મોડી રાતે હજીરા-સાયણ રોડ ઉપર વોચ ગોઠવી હતી, જેમાં એવેન્જર બાઈકના ચાલકને બાતમીના આધારે પોલીસે પગેરું દબાવ્યુ હતુ. જેના પગલે પોલીસને જાેઈને બાઈક ચાલક વાહન અને ડ્રગ્સનો જથ્થો રસ્તા ઉપર મુકીને શેરડીના ખેતરમાં ભાગ્યો હતો. બીજી તરફ પોલીસે શેરડીના ખેતરમાં બેટરીના સહારે સતત ૬ કલાક સુધી તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. અંતે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોલીસે તામીર અબ્દુલ કૈયુમ શેખ અને શાહીલ અલ્લારખા ગુલામ મહંમદ દિવાન રહે, કોસંબાને ઝડપી પાડયા હતા. પકડાયેલા બંને પાસેથી મળેલી બેગમાંથી એમ.ડી ડ્રગ્સ અને મોટર સાઈકલ, મોબાઈલ ફોન એમ કુલ રૂપિયા ૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ તામીર શેખ કોસંબામાં છત રિપેરીંગ અને સાહીલ દિવાન ફુટવેરની દુકાન ચલાવતો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યુ હતુ. જ્યારે પોલીસને મળેલી બાતમીના આધારે સચીન -કપલેથા ચેક પોસ્ટ પાસે મળસ્કે વોચ ગોઠવી હતી, ત્યારે નવસારી તરફથી પુર ઝડપે આવતી હોન્ડા સીટી કારને આંતરી હતી. પોલીસે કારમાંથી (૧) ઇરફાન મહંમદ ખાન પઠાણ રહે, છોટા ઇન્દ્રસ,સૈયરપુરા (૨) મહંમદ તૌસીફ ઉર્ફે કોકો મહંમદ રફીક શા રહે, શાબરીનગર,ભરીમાતા રોડ (૩) અસફાક ઇરશાદ કુરેશી રહે, ખતીજા એપાર્ટમેન્ટ, ખ્વાજાદાના દરગાહ પાસે,ગોપીપુરાને પકડી લીધા હતા. જેઓની પાસેથી પોલીસે તપાસ હેઠળ મુંબઈના નાલાસોપારાથી લાવેલ ૫૫૪.૮૨ ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો જેની કિંમત રૂપિયા ૫૫,૪૮,૨૦૦ અને રોકડ, કાર સહિત કુલ મુદ્દામાલ એમ ૫૮,૭૧,૯૫૦ કબજે કર્યો હતો. પકડાયેલા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ પુછપરછ શરુ કરી છે. જાે કે મહારાષ્ટ્રના નાલાસોપારામાં કોની પાસેથી એમડી ડ્રગ્સ મેળવ્યુ એ તપાસનો વિષય બન્યો છે.
ક્રાઈમ બ્રાન્ચમાં ડ્રગ્સ સાથે પકડાયેલ સૈયદપુરાનો ઈરફાન પઠાણ (ઉ.૩૨) બીકોમ થયો છે. હાલ માસ્ટર ઓફ બિઝનેસ એડમિસ્ટ્રેશનમાં અભ્યાસ કરે છે. તેમજ વીઆઈ કંપનીમાં દક્ષિણ ગુજરાતમાં ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે છેલ્લા ૨ વર્ષથી ફરજ બજાવે છે. જ્યારે મહંમદ તૌફીક ઉર્ફે કોકોએ ધો.૧૦ સુધી અભ્યાસ કર્યા પછી આઠ વર્ષથી વરિયાવી બજારમાં મિ.કોકો નામે રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે. અસફાક કુરેશી ફેશન બકેટ નામે શુઝ અને ઘડીયાળનો ઓન લાઈન બિઝનેસ કરતો હોવાનું પોલીસને જણાવ્યુ છે.
ડીસીપી ઝોન ૪ એલસીબીને મળેલી બાતમીના આધારે બમરોલી રોડ ઉપર આવેલી હોટલ ગેલેક્ષી પાસેથી બાતમીના આધારે દાનીશ હારૂન શેખ રહે, ખારવાચાલ,લંબેહનુમાન રોડ અને સહિત અન્યને ૨.૫૭ ગ્રામ એમ ડી ડ્રગ્સ કિંમત રૂપિયા ૨૭,૦૦૦ના જથ્થા સાથે પકડી પાડીને વધુ તપાસ અર્થે ખટોદરા પોલીસને સુપરત કર્યા છે.