(સિટી ટુડે) સુરત.તા.૨૨
રૂ.૧૦૦ કરોડથી વધુના મકબુલ ડોક્ટરના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં સંડોવાયેલા ઉનપાટીયાના અલી જવેરીએ જામીન ઉપર મુક્ત થવા કરેલી અરજીના વિરોધમાં એસઓજી દ્વારા સોગંદનામુ રજુ કરવામાં આવ્યું હતું. આરોપી અલી જવેરીએ વકીલ નદીમ ચૌધરી મારફતે જામીન અરજી કરી છે. વધુ સુનાવણી સંભવતઃ આગામી ૨૬ નવેમ્બરે નોંધાશે. આ કેસની વિગત એવી છે કે, ગત ઓગષ્ટ માસમાં સુરત એસઓજીએ આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ ઝડપી પાડ્યો હતો. આ કૌભાંડનો આંકડો ૧૦૦ કરોડથી વધુ જાય છે. એસઓજીએ સોનીફળિયા સિંધીવાડ ખાતે સફીયા મંઝીલમાં રહેતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેના દિકરા કાસીફ મકબુલ ડોક્ટર સહિતના આરોપીનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. ડોક્ટર પિતા-પુત્રએ સહ આરોપીઓ સાથે મળી જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી તેઓની પાસેથી કરોડો રૂપિયા ઉસેટી આ નાણાં વિદેશમાં યુએસડીટી મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. એસઓજીએ આ હવાલા કૌભાંડમાં ઉનપાટિયા હલીમા રેસીડેન્સીમાં રહેતા અલી બિલાલ ઝવેરીની પણ ધરપકડ કરી હતી. અલી ઝવેરીએ સહ આરોપીઓ સાથે મળીને નાણા યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશ મોકલતો હતો. અલી ઝવેરીએ વકીલ નદીમ ચૌધરી મારફતે સુરત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આજે સુરત એસઓજીએ જામીન અરજીના વિરોધમાં સોગંદનામુ રજુ કર્યું હતું. સોગંદનામા જણાવ્યા મુજબ આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય કેસ છે. ગુનાની તપાસ નાજુક તબક્કામાં છે અન્ય આરોપીઓ પકડવાના બાકી છે. આરોપીના જામીન નામંજુર કરવા રજૂઆત કરી છે. વધુ સુનાવણી આગામી ૨૬ નવેમ્બરે સંભવતઃ હાથ ધરાશે તેવુ વકીલ નદીમ ચૌધરીએ જણાવ્યું હતું.